મુંબઈનું આવતા વર્ષ સુધીનું પાણીકાપનું સંકટ ટળી ગયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયો ભરાઈ ગયા છે. મુંબઈગરાને આખું વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. તેથી મુંબઈનું આવતા વર્ષ સુધીની પાણીનું ટેન્શન દૂર થઈ ગયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના વોટર હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પુરુષોત્તમ માળવદેએ જણાવ્યું હતું.
મુંબઈને પાણીપુરવઠો કરનારા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાતેય જળાશયોમાં મંગળવારે સવારના ૯૯.૧૧ ટકા પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. ચોમાસાનું આગમન આ વર્ષે જલદી એટલે કે મે મહિનામં થવાની સાથે જ જુલાઈ અને ઑગસ્ટ અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં થયેલા મુશળધાર વરસાદને પગલે જળાશયો છલકાઈ ગયા છે.
રવિવારે સવારના સાતેય જળાશયોમાં ૧૪,૩૪,૫૨૨ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હતો.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે. મુંબઈમાં ચોમાસાની વિદાયને હજી થોડો સમય બાકી છે.
તેમ જ વાતાવરણમાં થયેલા ફેરફારને બદલે ગયા વર્ષે ૧૫ ઑક્ટોબર સુધી વરસાદ પડવાનું ચાલુ હતું. તે મુજબ આ વર્ષે પણ હવામાન ખાતાના જણાવ્યા મુજબ મુંબઈમાં ચોમાસાની વિદાય ઓક્ટોબર સુધી ખેંચાઈ જવાની શક્યતા છે.
વોટર હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પુરુષોત્તમ માળવદેએ જણાવ્યું હતું કે રવિવારે સવારના સાતેય જળાશયોમાં ૧૪,૩૪,૫૨૨ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક જમા હતો.
રોજ મુંબઈને ૩,૯૦૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે, તેને જોતા પાણીના જથ્થામાં રોજનો ૩,૮૫૦ મિલ્યનનો ઘટાડો થતો રહેશે પણ ગયા વર્ષની માફક જ આ વર્ષે પણ ૧૫ ઑક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી આ સમય દરમ્યાન કેચમેન્ટ એરિયામાં છૂટક છૂટક પણ વરસાદ પડતો રહ્યો તો જળાશોયમાં પાણીનું વધતું જ રહેશે. તેવા સંજોગોમાં મુંબઈગરાને આખું વર્ષ પાણીકાપની ચિંતામાંથી છુટકારો મળી ગયો છે.