મુંબઈમાં લોકલ ટ્રેનની ભીડથી બચાવતી વોટર ટેક્સી આવશે, 2 કલાકના બદલે 40 મિનિટમાં પહોંચાડશે વસઈ

મુંબઈ: માયાનગરી મુંબઈના ટ્રાફિકથી કોઈ અજાણ્યું નથી. રસ્તાઓ પર સતત વધતા ટ્રાફિક અને ભીડમાંથી મુંબઈગરાઓને મુક્તિ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર હવે જળમાર્ગોનો આશરો લેવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર સરકાર ટૂંક જ સમયમાં ‘વોટર ટેક્સી’ (Mumbai Water Taxi) પ્રોજેક્ટ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કેરળના કોચ્ચિ વોટર મેટ્રો પ્રોજેક્ટની મદદ લેવામાં આવી રહી છે.
પ્રથમ તબક્કામાં 15 જેટ્ટીઓનું નિર્માણ
આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કુલ 21 સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 15 જેટ્ટીઓનું નિર્માણ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડની મદદથી આ કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ સુવિધા માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આસપાસના થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાના લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બીજા તબક્કામાં સરકારે રો-રો સેવા અને વોટર એમ્બ્યુલન્સ શરૂ કરવાનું પણ આયોજન કર્યું છે.
બે કલાકની મુસાફરી થશે 40 મિનિટમાં
વોટર ટેક્સી શરૂ થવાથી મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે. હાલમાં દક્ષિણ મુંબઈથી વસઈ પહોંચતા બે કલાકથી વધુ સમય લાગે છે, જે વોટર ટેક્સી દ્વારા માત્ર 40 થી 50 મિનિટમાં કાપી શકાશે. તેવી જ રીતે કલ્યાણથી વસઈની મુસાફરી, જેમાં અત્યારે પોણો બે કલાક લાગે છે, તે માત્ર 35 થી 45 મિનિટમાં પૂર્ણ થશે.
સરકાર દ્વારા નવ જેટલા રૂટની ઓળખ કરવામાં આવી છે, જેમાં વસઈ-મીરા ભાયંદર, કલ્યાણ-મુંબ્રા, અને બેલાપુર-ગેટવે જેવા મહત્વના વિસ્તારોને જોડવામાં આવશે.
આ પણ વાંચો…Good News: 5 વર્ષમાં દોડશે 700થી વધુ નવી લોકલ ટ્રેન, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?



