સોમથી શુક્ર પાંચ દિવસ આ વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશેે પાઈપલાઈનનું ૮૭ કલાક સળંગ કામ ચાલશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેટ્રો લાઈન- ૭એ પ્રોજેક્ટ માટે ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનને વાળવાનું કામ સળંગ ૮૭ કલાક કરવામાં આવવાનું હોવાથી આવતા અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધીના પાંચ દિવસ ત્રણ વોર્ડમાં મુખ્યત્વે ધારાવી, માટુંગા, માહિમ, અંધેરી, બાન્દ્રા, સાંતાક્રુઝમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ સોમવાર, ૨૨ ડિસેમ્બર, સવારના ૧૦ વાગ્યાથી શુક્રવાર, ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના મધરાતના એક વાગ્યા સુધી જી-ઉત્તર, કે-પૂર્વ અને એચ-પૂર્વ વોર્ડના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે. તેમ જ નિયમિત પાણીપુરવઠાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પાંચ દિવસ ત્રણે વોર્ડમાં મોટા આકારની પાણીની પાઈપલાઈનમાં જોડાણનું કામ હાથમાં લેવામાં આવવાનું છે.
પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ચ ઓથોરિટી દ્વારા મેટ્રો લાઈન-૭એ પ્રોજેક્ટના કામ માટે ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની અપર વૈતરણા મેઈન લાઈનનો અમુક ભાગ વાળવામાં આવવાનો છે. પાઈપલાઈનનો જે ભાગ વાળવામાં આવશે તે ભાગનું ક્રોસ કનેકશનનું કામ કરવામાં આવવાનું છે.
સોમવારથી શુક્રવાર સુધીના પાંચ દિવસમાં આ વિસ્તારોમાં પાણીપુરવઠાને અસર થશે
જી-ઉત્તર વોર્ડમાં ધારાવી, એ.કે.જી નગર, જસ્મિન મિલ રોડ, માટુંગા લેબર કોલોની, સંત રોહિદાસ રોડ, ૬૦ ફૂટ રોડ, સંત કક્કૈયા રોડ, એમ.પી. નગર, ઢોરવાડા, એમ.જી.રોડ વિસ્તારમાં હાલ સવારના ચારથી બપોરના ૧૨ વાગ્યા સુધી પાણીપુરવઠો કરવામાં આવે છે પણ સોમવારથી પાંચ દિવસ દરરોજ સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
ધારાવી મેઈન રોડ, ગણેશમંદિર રોડ, દિલીપ કદમ રોડ, માહિમ ફાટક, એ.કે.જી. નગરમાં રોજ સાંજના ચારથી રાતના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે પણ સોમવારથી પાંચ દિવસ સાંજના પાંચથી રાતના ૧૦ વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
કે-પૂર્વ વોર્ડમાં અંધેરી પૂર્વના કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ એરિયા, તરુણ ભારણ કોલોની, ઈસ્લામપુરા, પી એન્ડ ટી કોલોનીમાં હાલ બપોપના બેથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે પણ સોમવારથી પાંચ દિવસ બપોરના બે વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી પાણ પાણીપુરવઠો થશે.
કોલડોંગરી, જૂની પોલીસ ગલી, વિજય નગર (સહાર રોડ), મોગર પાડામાં હાલ સાંજના પાંચ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે. સોમવારથી પાંચ દિવસ સાંજના પાંચથી રાતના ૧૦ વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
એચ-પૂર્વ વોર્ડના બીકેસી, મોતીલાલ નગર, પ્રભાત કોલોની, અગ્રીપાડા, કલીના, સીએસટી રોડ, હંસભુગ્રા રોડ, યુનિવર્સટી, સીએસટી રોડ, યશવંત નગર, સુંદર નગર, કોલિવરી ગાંવ, તીન બંગલા, શઆંતિલાલ કમ્પાઉન્ડ, પટેલ કમ્પાઉન્ડ, ગોલીબાર રોડ, ખાર સબ-વે, ખેરવાડી, નવપાડા, બેહરામ નગર, બાન્દ્રા પૂર્વમાં આવેલી ગર્વમેન્ટ કોલોની વિસ્તારમાં સોમવારથી પાંચ દિવસ મધરાતના ૩.૩૦ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.



