પાણીનો પ્રાણપ્રશ્ન: દરરોજ 4000 મિલિયન લિટર પુરવઠો છતાં મુંબઈગરા માટે 24 કલાક પાણી પુરવઠો એક દિવાસ્વપ્ન…

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા દરરોજ 4 હજાર મિલ્યન લિટર પાણી પુરવઠો કરવામાં આવતો હોય તો પણ મોટાભાગના નાગરિકો આજે પણ પાણીની તંગીમાં જીવન જીવી રહ્યા છે. મુંબઈના અનેક વિસ્તારોમાં ઓછા દબાણથી થતો પાણી પુરવઠો મુંબઈની ચાલીઓ માટે મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. પુનર્વિકાસના કારણે બહુમાળીય ઈમારતની આસપાસની ચાલીઓને પણ પૂરતો પાણીપુરવઠો નથી થતો. આ સિવાય મુંબઈમાં ઉંચાણવાળા વિસ્તારોમાં આવેલી વસાહતોમાં પણ પાણીની પારાવાર તંગી જોવા મળે છે.
મુંબઈગરાને તાનસા, મોડકસાગર, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી એમ સાત ડેમમાંથી દરરોજ 4 હજાર મિલ્યન લિટર પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. શહેરની બહાર આવેલા જળાશયોમાંથી પાણી 2235 મિમીથી 3 હજાર મિમી વ્યાસની પાઈપલાઈનમાંથી અને 5500 મિમી વ્યાસની કોંક્રિટના અંડરગ્રાઉન્ડ વોટર ટનલની મદદથી ગુરુત્વાકર્ષણ બળથી જળશુદ્ધિકરણ કેન્દ્ર સુધી લાવવામાં આવે છે.
જળશુદ્ધિકરણ કેન્દ્રમાં આ પાણી પર કોએગ્યુલેશન, ફ્લોક્યુલેશન, સેટલિંગ, રેપિડ સેન્ડફિલ્ટર, પોસ્ટ ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે. આ માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં નાગરિકોને નજીવા દરે પાણી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. આવું હોવા છતાં પણ દિવસે દિવસે મુંબઈગરાની પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનું સુધરાઈ માટે અઘરું બની રહ્યું છે.
ઝૂંપડપટ્ટી, ઉંચાણવાળી જગ્યાએ આવેલી વસતી, મુંબઈમાં જગ્યાના ભાવ આસમાને આંબી ગયા હોવાને કારણે અનેક લોકો ઝૂંપડપટ્ટી, ચાલીઓ અને ડુંગરાળ વિસ્તારમાં આસરો લઈ રહ્યા છે. આવા વિસ્તારમાં પાઈપલાઈનનું નેટવર્ક પણ નબળું હોવાને કારણે ત્યાંના રહેવાસીઓ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે દરબદર ભટકી રહ્યા છે. પાલિકા આજે પણ આ વિસ્તારના નાગરિકોની તરસ છિપાવી શકી નથી.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સમયે રાજકીય પક્ષો મુંબઈગરાને 24 કલાક પાણીપુરવઠો કરવાનું વચન આપે છે, પણ પાલિકા આજે પણ મુંબઈગરાને 24 કલાક પાણીપુરવઠો કરવામાં સક્ષમ નિવડી નથી. કેટલાક વિસ્તારોમાં પાલિકાએ 24 કલાક પાણીપુરવઠો કરવાનું પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું ખરું, પણ આખા મુંબઈમાં આ પ્રોજેક્ટ અમલી બનાવી શકાયો નથી. મુંબઈગરાની તરસ છિપાવવા માટે પાલિકાએ ઉપલબ્ઝ જળસ્રોત પર જ આધાર રાખવો પડે છે. ટૂંકમાં કહેવાનું થાય તો મુંબઈગરાને ચૂંટણી સમયે 24 કલાક પાણી પૂરું પાડવાનું આશ્વાસન એ કોણીએ ગોળ લગાવવા જેવું છે.
મુંબઈની મહાપાલિકાના પ્રશાસકીય વિભાગમાં દરરોજ અસમાન રીતે પાણી પુરવઠો કરવામાં આવે છે. દરેક વોર્ડમાં સમાન રીતે પાણી પુરવઠો કરવામાં આવે એવી માગણી સતત કરવામાં આવી રહી છે, પણ સુધરાઈ આ માગણી પૂરી કરવામાં સફળ રહી નથી. પરિણામે એક વોર્ડમાં વધુ તો તેની બાજુના વોર્ડમાં ઓછો પાણી પુરવઠો થાય છે. અસમાન પાણીપુરવઠા સિવાય પાઈપલાઈનમાં થતું ગળતર અને પાઈપલાઈનમાં પડેલાં છિદ્રમાંથી અશુદ્ધ પાણી પાઈપલાઈનમાં પ્રવેશે છે જેને કારણે નાગરિકો સુધી દુષિત પાણી પુરવઠો પહોંચે છે.
મુંબઈની વસતિમાં સતત થઈ રહેલાં વધારાને જોતાં 2041 સુધીમાં મુંબઈની વસતિ 1,72,00,000 સુધી પહોંચી જશે અને આ સાથે જ મુંબઈગરાને દરરોજ 6535 મિલ્યન લિટર પાણીપુરવઠો કરવો પડશે. ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગારગાઈ (440 મિલ્યન લિટર), પિંજાળ (865 મિલ્યન લિટર), દમણગંગા પિંજાળ નદી જોડ પ્રકલ્પ (1,585 મિલ્યન લિટર) અમલમાં મૂકવાની દિશામાં પણ પ્રશાસન આગળ વધી રહ્યું છે. આ પ્રકલ્પ પૂરા થયા બાદ પાણીપુરવઠામાં પ્રતિદિન 2,891 મિલ્યન લિટરનો વધારો થશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: આવતા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો કિમ-અંકલેશ્વર પટ્ટો શરૂ થશે



