મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોનોરેલ ફરી એક વાર અધવચ્ચે ખોટકાઈ, મુસાફરો સુરક્ષિત…

મુંબઈ : મુંબઈમાં સોમવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન વડાલા વિસ્તારમાં એક મોનોરેલ ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા.
જયારે મોનોરેલમાં સવાર તમામ 17 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી. જયારે મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું કે હાલ મોનોરેલની બંને લાઇનો પર સેવાઓ હવે સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે.
મોનોરેલ ટેકનીકલ ખામીને લીધે બંધ પડી
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મોનોરેલ ટેકનીકલ ખામીને લીધે ખોટકાઈ હતી. ફાયર ઓફિસર વી. એન. સાંગલેએ જણાવ્યું હતું કે 17 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જયારે મોનોરેલને કપલિંગ સાથે જોડીને બહાર નીકાળવામાં આવશે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં રવિવારે રાજયના અનેક વિસ્તારોમાં વરસાદથી જનજીવનને અસર થઈ છે. આ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સોમવારે સવારે કિંગ્સ સર્કલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જેના લીધે વાહન ચાલકો પરેશાનીની સામનો કરી રહ્યા છે.
ટ્રેન સેવાને પણ અસર
મુંબઈમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેર અને ઉપનગરોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના લીધે જનજીવનને અસર થઈ છે. જયારે રાત્રે પડેલા ભારે વરસાદના લીધે મધ્ય રેલવે માર્ગ પર કુર્લા સ્ટેશન અને પશ્ચિમી રેલવે નેટવર્ક પર બાંદ્રા સ્ટેશનના પાટાઓ પર પાણી ભરાયા છે. તેમજ લોકલ ટ્રેન પણ મોડી ચાલી રહી છે.
આ પણ વાંચો…મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ