આમચી મુંબઈ

મુંબઈનું ખુદનું ચેરી બ્લોસમઃ ઘાટકોપર-વિક્રોલી વચ્ચે હાઈવે બન્યો પિંક પેરેડાઈઝ, તમે પણ મુલાકાત ના લીધી હોય તો…

મુંબઈઃ જાપાનના ચેરી બ્લોસમ વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે મુંબઈમાં પણ એક એવો રસ્તો છે જે વસંતની ઋતુમાં ગુલાબી ચાદરથી ઢંકાઈ જાય છે? જી હા, અમે અહીં વાત કરીએ રહ્યા છીએ મુંબઈના વિક્રોલી વિસ્તારમાં આવેલો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની. આ હાઈવે અત્યારે સોશિયલ મીડિયા પર ‘મુંબઈના ચેરી બ્લોસમ’ તરીકે ધૂમ મચાવી રહ્યો છે. ચાલો જાણીએ વિગતે સમાચાર…

મુંબઈની ભાગદોડ ભરેલી જિંદગીમાં વિક્રોલી-ઘાટકોપર વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો કેટલોક વિસ્તાર આંખોને ઠંડક પહોંચાડે છે. આ રસ્તો અત્યારે પ્રવાસીઓ અને ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભલે મુંબઈનું વાતાવરણ અસલી ચેરી બ્લોસમ માટે અનુકૂળ ન હોય, પણ અહીં પિંક ટ્રમ્પેટ ટ્રી પર ખીલેલા સુંદર ગુલાબી ફ્લાવર્સ તમને પળવાર માટે તો વિદેશના કોઈ રસ્તા પર હોવ એવી અનુભૂતિ કરાવી જ દે છે.

આ કયા ફૂલો છે? (Pink Trumpet Trees)

ઘાટકોપરથી વિક્રોલી વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જે ગુલાબી ફૂલો જોવા મળે છે, તે અસલી ચેરી બ્લોસમ નથી. આ વૃક્ષોનું વૈજ્ઞાનિક નામ ટેબેબુઆ હેટરોફિલા (Tabebuia Heterophylla) છે, જેને સામાન્ય ભાષામાં ‘પિંક ટ્રમ્પેટ ટ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ વૃક્ષો પર ફૂલો બેસે છે, ત્યારે પાંદડા ખરી જાય છે અને આખું ઝાડ ગુલાબી રંગના ગુચ્છાથી ભરાઈ જાય છે.

આ અદભૂત નજારો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિક્રોલીથી ઘાટકોપર વચ્ચેના પટ્ટામાં જોવા મળે છે. રોડની બંને તરફ હરોળમાં લાગેલા આ વૃક્ષો અને જમીન પર બિછાયેલી ગુલાબી ફૂલોની ચાદર જોઈને એવું લાગે છે કે જાણે તમે કોઈ બીજા જ શહેરમાં આવી ગયા હોવ.

બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ

સામાન્યપણે દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન આ સુંદર નજારો જોવા મળે છે. જો તમે પણ કુદરતની આ કરામતના સાક્ષી બનવા માંગતા હોવ તો વહેલી સવારે અથવા સાંજના સમયે અહીંનો નજારો સૌથી વધુ સુંદર લાગે છે. ફોટોગ્રાફી માટે સવારના સમયે જોવા મળતો કૂણો તડકો લાઈટિંગની દ્રષ્ટિએ એકદમ પિક્ચર પરફેક્ટ છે.

કઈ રીતે પહોંચશો?

વાત કરીએ આ જગ્યાએ કઈ રીતે પહોંચી શકાય એની તો જો તમે લોકલ ટ્રેનમાં આવતા હોવ તો સેન્ટ્રલ લાઈન પર વિક્રોલી અથવા ઘાટકોપર સ્ટેશન ઉતરીને રિક્ષા કે ટેક્સી દ્વારા હાઈવે પર પહોંચી શકાય છે. એક મહત્ત્વની વાત એટલે આ એક પબ્લિક રોડ હોવાથી અહીં જોવા માટે કોઈ જ ટિકિટ લાગતી નથી, તે તદ્દન ફ્રી છે.

સિવિક સેન્સનું ધ્યાન રાખવું છે જરૂરી…

સોશિયલ મીડિયા પર આ જગ્યાના વીડિયો વાઈરલ થયા બાદ અહીં ભીડ વધી રહી છે. અનેક લોકો રીલ્સ બનાવવા માટે ફૂલોની ડાળીઓ ખેંચતા કે તોડતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સવાર-સાંજ જોગિંગ કે વોક માટે આવનારા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે સિવિક સેન્સનો મુદ્દો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે.

વિક્રોલી-ઘાટકોપર સિવાય બીજે ક્યાં જોવા મળે છે

અહીંયા તમારી જાણકારી માટે કે વિક્રોલી ઉપરાંત મુંબઈમાં બીજી કેટલીક જગ્યાએ પણ પિંક ટ્રમ્પેટ ટ્રી જોઈ શકાય છે, જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) ની આસપાસ, બોરીવલી ગોરાઈ રોડ, ફોર્ટમાં લાયન ગેટ સામે, માહિમ નેચર પાર્ક અને રાણી બાગ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button