
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્સોવા-દહિંસર-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ માટે આવશ્યક પરવાનગી અને નો-ઑબ્જેકશન સર્ટિફિકેટ મેળવવાની તૈયારી મુંબઈ મહાનગપાલિકા કરી રહી છે, એ સાથે જ પ્રોજેક્ટ માટે સરકારી અને ખાનગી જમીનનું સંપાદન ઝડપી કરવાનો નિર્દેશ પણ પાલિકા પ્રશાસને સંબંધિત અધિકારીઓને આપ્યો છે. આ દરમ્યાન કોસ્ટલ ઝોનના નિયમ હેઠળ નહીં આવતી બહારની જમીન પર બહુ જલદી કામ ચાલુ કરવામાં આવવાનું છે.
વર્સોવા-ભાયંદર (મુંબઈ કોેસ્ટલ રોડ-ઉત્તર)નું અલગ અલગ તબક્કામાં એટલે કે પૅકેજ ‘એ’, ‘બી’ અને ‘સી’, ‘ડી’ અને ‘ઈ’ અંતર્ગત કામ કરવામાં આવવાનું છે. પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિતિ બાંગરે જણાવ્યું હતું કે તાજેતરમાં જ વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટમાં મેનગ્રોવ્ઝ ડાઈવર્ઝન પ્રપોઝલને કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પહેલા તબક્કાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મંજૂરી તેમ જ વન હસ્તાંતરણ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે અને હવે બોમ્બે હાઈ કોર્ટમાં પાસેથી અંતિમ મંજૂરી મેળવવામાં આવશે.

કોસ્ટલ રોડમાં પૅકેજ ‘બી’ અંતર્ગત કેબલ આધારિત પૂલ બાંધવામાં આવવાનો છે, ત્યાંથી મલાડ માઈન્ડસ્પેસથી અલાઈનમેન્ટ આગળ જશે. પેકેજ સી’ અને ‘ડી’ અંતર્ગત માઈડસ્પેસ મલાડ થી ચારકોપ ખાડી દરમ્યાન ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં જનારી ટનલ બાંધવામાં આવવાની છે. પૅકેજ ‘ઈ ’ હેઠળ ચારકોપ ખાડીથી ગોરાઈ એલિવેટેડ રોડ તેમ જ પૅકેજ ‘એફ’માં ગોરાઈ એલિવેટેડ રોડથી દહિસર એલિવેટેડ પ્રસ્તાવિત છે. પાલિકાએ અન્ય મંજૂરીઓ મળે ત્યા સુધી નોન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં કામ ચાલુ કરી દીધું છે, જેમાં પૅકેજ ‘એફ’ હેઠળ બોરીવલીમાં દેવિદાસ રોડ પર ૮૦૦ મીટર લંબાઈના નોન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં કામ ચાલુ કરવામાં આવવાનું હોવાનું અભિજિત બાંગરે જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ વર્સોવાથી ભાયંદરનું અંતર ૯૦- ૧૨૦ મિનિટ પરથી ફક્ત ૧૫થી ૨૦ મિનિટનું થઈ જશે. આ પ્રોજેક્ટમાં ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦ કિલોમીટર લાંબો વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ બનશે. આગળ દહિસરથી ભાયંદરને જોડતો ૫.૬ કિલોમીટરનો એલિવેટેડ રોડ ૩,૩૦૪ કરોડ રૂપિયાના ખર્ચે બનશે.
મરીન ડ્રાઈવરથી ભાયંદર સુધીના ૬૦ કિ.મી.ના મેગા પ્રોજેક્ટમાં ઈન્ટરચેન્જ, એલિવેટેડ રોડ, પુલ અને બે ટનલ હશે. આ રૂટ વર્સોવા, મલાડ, માલવણી, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાંથી પસાર થશે અને મીરા રોડ થઈને ભાયંદરમાં પૂરો થશે. આ પ્રોજેક્ટનું કામ ઑગસ્ટ ૨૦૨૫માં શરૂ થશે અને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક છે.