મુંબઈમાં 420 અનધિકૃત શાળા: પ્રધાને વિધાનસભાને જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ બુધવારે જણાવ્યું હતું કે મુંબઈમાં 420 અનધિકૃત શાળાઓ છે, જેમાંથી 47 બંધ કરી દેવામાં આવી છે.
રાજ્ય વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય ભાસ્કર જાધવ અને અન્ય લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં, તેમણે કહ્યું કે આ 420 શાળાઓમાંથી 103 શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય 126 ફોજદારી કેસનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો: અનધિકૃત બાંધકામ કરનારી પુણેની શાળાને રાહત આપવાનો હાઈ કોર્ટનો ઈનકાર…
ભૂસેએ જણાવ્યું હતું કે મુંબઈમાં 1,057 અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓ યોગ્ય પરવાનગી સાથે ચાલી રહી છે.
આ 1,057 શાળાઓમાંથી 218 શાળાઓએ 2022માં તેમની પરવાનગીઓના નવીનીકરણ માટે અરજી કરી ન હતી. આ 218 શાળાઓમાંથી 211 શાળાઓને શિક્ષણ અધિકાર (આરટીઈ) હેઠળ પરવાનગી આપવામાં આવી છે અને સાત શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપના સ્નેહા દુબે પંડિત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં ભૂસેએ જણાવ્યું હતું કે શાળા શિક્ષણ વિભાગના ડેશબોર્ડમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ તરીકે નામોના ગેરકાયદે સમાવેશની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ગઠિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.