મુંબઈ ફેરવાયું પોલીસ છાવણીમાં
આજે દશેરા રેલી, રાવણદહન, વિસર્જન અને મૅચ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરની સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સંભાળનારા પોલીસ દળની મંગળવારે જાણે કસોટી છે. શિવસેનાનાં બન્ને જૂથની દશેરા રૅલી, ઠેર ઠેર રાવણદહન, માતાજીની મૂર્તિનું વિસર્જન અને ક્રિકેટ વર્લ્ડ કપની મૅચને કારણે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે આ બધું એક જ દિવસે હોવાથી પોલીસ ભારે દબાણ હેઠળ છે ત્યારે વાહનવ્યવહારની કોઈ સમસ્યા ન ઊભી થાય તે માટે ટ્રાફિક પોલીસે પણ ખડેપગે રહેવું પડશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સોમવાર સાંજથી જ મહત્ત્વનાં સ્થળોએ પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. શહેરની સુરક્ષાવ્યવસ્થા માટે છ એડિશનલ પોલીસ કમિશનર, ૧૬ ડેપ્યુટી પોલીસ કમિશનર, ૪૫ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાથે ૨,૪૯૩ પોલીસ અધિકારી અને ૧૨,૪૪૯ પોલીસ કર્મચારી તહેનાત કરી દેવાયા છે.
મહત્ત્વનાં સ્થળોએ પોલીસની સાથે એસઆરપીએફની ૩૩ પ્લૅટૂન, ક્યૂઆરટી ટીમ્સ, હોમ ગાર્ડ્સ પણ બંદોબસ્તમાં
ખડેપગે રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દશેરા નિમિત્તે મંગળવારે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ દ્વારા દાદરના શિવાજી પાર્ક ખાતે, જ્યારે શિવસેનાના એકનાથ શિંદે જૂથ દ્વારા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં રૅલીનું આયોજન કરાયું છે. પક્ષના ભાગલા પછી બન્ને જૂથ વચ્ચે તણાવ હોવાથી દશેરા રૅલી શક્તિપ્રદર્શન બની રહેશે. રાજ્યના ખૂણેખાંચરેથી કાર્યકરો શિવાજી પાર્ક અને આઝાદ મેદાન આવવાની શક્યતાને જોતાં ભીડ પર કાબૂ મેળવવાનો પણ પડકાર પોલીસ સમક્ષ રહેશે.
મુંબઈમાં અનેક ઠેકાણે રામલીલાનું આયોજન કરાયું હોવાથી દશેરાના દિવસે રાવણદહન કરવામાં આવે છે. આવાં સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી પોલીસે રાખવાની રહેશે. વધુમાં માતાજીની મૂર્તિ-ગરબીના વિસર્જનનાં સ્થળોએ પણ કડક બંદોબસ્ત રાખવો પડશે.
ફોર્ટ વિસ્તારના રસ્તા થશે જામ
આઝાદ મેદાન પર શિંદે જૂથની રેલી માટે ૫,૨૦૦થી વધુ બસો અને ૮-૧૦ હજાર નાના વાહનો દક્ષિણ મુંબઈમાં આવશે એવી માહિતી આપતાં શિંદે જૂથના પ્રવક્તાએ કહ્યું હતું કે રેલીમાં બે લાખથી વધુ કાર્યકર્તા સામેલ થશે. આ બધાને કારણે દક્ષિણ મુંબઈના ફોર્ટના રસ્તા ચારથી પાંચ કલાક જામ થવાની શક્યતા જોવાઈ રહી છે. મુંબઈ-થાણેથી આવી રહેલા વાહનો બેલાર્ડ એસ્ટેટમાં ઉતરશે અને જીઆરપી કમિશનર રોડ કર્નાક બંદર પર તેમની બસને પાર્કિંગ આપવામાં આવશે. આવી જ રીતે આવી જ રીતે બસમાં આવનારા કાર્યકર્તાને કોટન ગ્રીનમાં પણ પાર્કિંગ આપવામાં આવશે. પશ્ર્ચિમ મહારાષ્ટ્રથી આવનારી બસમાંથી હોર્નિમન સર્કલ પાસે ઉતરશે. તેમની બસો ભાઉચા ધક્કા પર ઊભી રાખવામાં આવશે. મરાઠવાડા અને વિદર્ભથી આવનારી બસો ગેટ નંબર ૧૧ પર શિવસૈનિકોને ઉતારશે. તેમને શિવડી બીપીટીમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે. નાના વાહનોને વિધાનભવન, એનસીપીએ, મનોરા વગેરેમાં પાર્કિંગ અપાશે આવી જ રીતે કોલાબામાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ પાસે ઉતારવામાં આવશે. નાના વોહનો હોર્નિમન સર્કલ, ફોર્ટ લેન અને બેલાર્ડ એસ્ટેટમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે.