Mumbaiનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે, આ છે પ્રમુખ કારણો…
મુંબઈઃ છેલ્લાં કેટલાક સમયથી મુંબઈની Air Quality સતત કથળતી જ જઈ રહી છે અને એ માટે શહેરમાં વધી રહેલાં બાંધકામ, વિકાસ કામો અને રસ્તા પર બેફામ દોડી રહેલાં વાહનો અને સતત વધી રહેલી વાહનોની સંખ્યા પણ શહેરમાં વધી રહેલાં પ્રદૂષણનું પ્રમુખ કારણ છે. આ બધા કારણોસર હવાની ગુણવત્તા ખરાબ થવામાં દિલ્હી બાદ મુંબઈનો નંબર આવે છે. મુંબઈની વસતીમાં સતત વધારો થઈ રહ્યો હોઈ એની સામે મુંબઈમાં રસ્તા, બ્રિજ વગેરેનું કન્સ્ટ્રક્શનનું કામકાજ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે મુંબઈમાં ઠેર ઠેર ટ્રાફિક જામ વગેરેની સમસ્યા પણ જોવા મળે છે. આ બધાનો ફટકો મુંબઈગરાને લાગી રહ્યો છે.
ગૂડી પાડવા નિમિત્તે મુંબઈના ચાર આરટીઓમાં પહેલી એપ્રિલથી લઈને નવમી એપ્રિલ સુધી આઠ હજારથી વધુ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. સૌથી વધુ ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન મુંબઈ સેન્ટ્રલ આરટીઓ થયું હતું. વધી રહેલી ગરમી અને પ્રદૂષણને કારણે લોકો ફોર વ્હીલરમાં આરામથી એસીમાં પ્રવાસ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. વધતા વાહનોની સંખ્યા જોઈને આવનારા દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ બધામાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે જેની અસર માનવી આરોગ્ય પર જોવા મળી રહી છે.
ટ્રાફિક જામની સાથે સાથે એક જ જગ્યાએ ઊભા રહેલાં વાહનોમાંથી ધુમાડો નીકળે છે અને આ ધુમાડો જ પ્રદૂષણ વધારવામાં નિમિત્તે બની રહ્યો છે. આ ધુમાડો માનવી આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે, એવો મત પર્યાવરણના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
હાલમાં મુંબઈમાં વાહનોની સંખ્યા 46 લાખથી વધુ છે અને 2011-12માં આ આંકડો 20,28,500 જેટલો હતો. છેલ્લાં દસ વર્ષમાં મુંબઈમાં વાહનોની સંખ્યામાં બમણો વધારો થયો છે. સંખ્યા વધી રહી હોવાની સાથે સાથે જ પાલિકાએ આ નવા વધી રહેલાં વાહનો માટે પાર્કિંગ નથી વધારવામાં આવી. આ સિવાય મુંબઈગરા અનેક વખત પોતાના ડેસ્ટિનેશનથી દૂર જ્યાં જગ્યા મળે ત્યાં કાર પાર્ક કરે છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યાની સાથે સાથે જ પગે ચાલનારા રાહદારીઓ માટે પણ સમસ્યા ઊભી થાય છે.
મુંબઈમાં પ્રતિકિમી 2300 વાહનો હોઈ આ વાહનોની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં 25 ટકા, જ્યારે 10 વર્ષમાં બમણી વૃદ્ધિ નોંધાઈ છે. બીજા શહેરોની વાત કરીએ તો ચેન્નઈમાં પ્રતિ કિમી 1762, કોલકતામાં 1283, બેંગ્લોરમાં 1134 અને દેશની રાજધાની દિલ્હીમાં 261 વાહનો પ્રતિ કિલોમીટર છે.