આમચી મુંબઈ
માત્ર ૧૨ કલાકમાં મુંબઈથી દિલ્હી
મુંબઈ: મુંબઈથી દિલ્હી જતી ટ્રેનની ગતિ કલાકના ૧૬૦ કિમી લઇ જવા માટે ચાલી રહેલું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થતા જ માર્ચ મહિનાથી માત્ર ૧૨ કલાકમાં જ દિલ્હી સુધી પહોંચવું શક્ય બનશે. હાલમાં દિલ્હી સુધીનો પ્રવાસ ૧૬ કલાકનો છે.
આ માર્ગની ગતિને વધારવા માટેની ડેડલાઈન માર્ચ સુધીની છે. રૂ. ૬૬૬૧.૪૧ કરોડનો ખર્ચ કરીને પાયાભૂતિ સુવિધામાં સુધારો કરવામાં આવશે. ટ્રેક અને સિગ્નલ સિસ્ટમમાં હાલમાં કામ ચાલી રહ્યું છે. મુંબઈથી અમદાવાદ માર્ગ પર માનવરહિત ક્રોસિંગને બંધ કરવામાં આવ્યું છે. રેલવે માર્ગ પર જાનવરો પણ જઇ ન શકે એ માટે ૩૮૦ કિલોમીટરથી વધુના માર્ગ પર મેટલની વાડ બનાવવામાં આવશે. ૮૦ ટકાથી વધુ સ્વિચ કર્વ નવા લગાવવામાં આવશે. વિરારથી સુરત દરમિયાન જાડા વેબ સ્વિચ ફેસિંગ સેટનું કામ પૂરું થઇ ગયું છે, જ્યારે સુરત-વડોદરા અને અમદાવાદ દરમિયાનનું કામ નજીકના સમયમાં પૂરું થઇ જશે. નવા સ્વિચ કર્વને કારણે ગતિ ઓછી ન કરીને પણ ટ્રેકને બદલી શકાશે.
રાજધાની, શતાબ્દી અને તેજસને થશે ફાયદો
મિશન રફ્તારને કારણે માત્ર મુંબઈ-દિલ્હી માર્ગ પરની અનેક ટ્રેનોની સ્પીડ વધવાની હોઇ રાજધાની, શતાબ્દી, તેજસ અને દુરંતો તેમ જ ડબલડેકર એક્સપ્રેસ પ્રતિ કલાક ૧૬૦ કિમીની ઝડપે દોડશે. આને કારણે ઓછા સમયમાં ટ્રેનો પહોંચી શકશે, એવું પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.