આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો વિદ્યાર્થી…

મુંબઇઃ પ્રતિષ્ઠિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS)નો 29 વર્ષીય વિદ્યાર્થી મુંબઈના ચેમ્બુરમાં તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. વિદ્યાર્થીની ઓળખ અનુરાગ જયસ્વાલ તરીકે થઇ છે. તેનો પરિવાર લખનઊ રહે છે. અનુરાગ જયસ્વાલ TISS ખાતે માનવ સંસાધન કાર્યક્રમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

આ બાબતે માહિતી આપતા ચેમ્બુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે અનુરાગ જયસ્વાલ શુક્રવારે રાત્રે નવી મુંબઈના વાશીમાં એક પાર્ટીમાં ગયો હતો. એ સમયે પાર્ટીમાં 100થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા અને મોજમસ્તી કરી રહ્યા હતા તેમ જ દારૂની જ્યાફત ઉડાવી રહ્યા હતા. અનુરાગે પણ પાર્ટીમાં દારૂ પીધો હતો. પાર્ટી પૂરી થયા બાદ ઘરે આવ્યો ત્યારે તેને અસ્વસ્થ લાગતું હતું, એમ તેની સાથેના ત્રણ રૂમ મેટે જણાવ્યું હતું. શનિવારે સવારે, જ્યારે તેના રૂમમેટ્સે જોયું કે જયસ્વાલ જાગતો નથી, ત્યારે તેઓ ચિંતિત થઈ ગયા અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે

પહેલા પોલીસને આ મામલે રેગિંગ કારણભૂત હોવાની શંકા ગઇ હતી, પણ રૂમમેટ્સની પૂછપરછ કર્યા બાદ પોલીસે આ શંકા ફગાવી દીધી હતી અને અકસ્માત મોતનો અહેવાલ દાખલ કર્યો છે.

ચેમ્બુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. લખનઉમાં જયસ્વાલના પરિવારને દુ:ખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. જયસ્વાલના પરિવારે અનુરોધ કર્યો છે કે તેમના મુંબઈ આવ્યા પછી જ પોસ્ટમોર્ટમ પરીક્ષણ હાથ ધરવામાં આવે, તેથી હાલમાં પોસ્ટમોર્ટમ પરીક્ષણ બાકી છે. મૃતકના પરિવારજનો આવ્યા બાદ ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ પરીક્ષણના તારણોનાં આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

TISSએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી મૃતક વિદ્યાર્થી માટે દુઃખ વ્યક્ત કર્યું છે અને અનુરાગના પરિવારને સાંત્વના આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button