બે ગોવિંદાનાં મોત અને ૩૦૦થી વધુ જખમી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બે ગોવિંદાનાં મોત અને ૩૦૦થી વધુ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ સહિત થાણેમાં શનિવારે ધામધૂમથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી દરમ્યાન દહિહાંડી ફોડવામાં આવી હતી. આ દરમ્યાન જોકે બે ગોવિંદાનાં મોત થયાં હતાં અને ૩૦૦થી વધુ ગોવિંદા જખમી થયા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબઈમાં શવિવારે ૩૧૮ ગોવિંદા જખમી થયા હતા, જેમાં હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તો અન્ય જખમી ગોવિંદાઓને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

શનિવારે સૌથી વધુ જખમી ગોવિંદાઓ દક્ષિણ મુંબઈમાં હાંડી ફોડવા દરમ્યાન થયા હતા, જેમાં દક્ષિણ મુંબઈમાં ૧૩૫ તો પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૧૧ અને પૂર્વ ઉપનગરમાં ૭૨ ગોવિંદા જખમી થયા હતા.

આ પણ વાંચો: મુંબઈમાં એક ગોવિંદાનું મૃત્યુઃ અગાઉ પ્રેક્ટિસ વખતે એક બાળકનું મોત થયું હતું…

પ્રશાસનના જણાવ્યા મુજબ જખમી ગોવિંદાઓમાંથી બેની હાલત અત્યંત ગંભીર છે, જેમાં નવ વર્ષના બાળક આર્યન યાદવ સહિત ૨૩ વર્ષના શ્રેયાંસ ચાલકેનો સમાવેશ થાય છે. કાંદિવલીમાં તાનાજી નગરમાં રહેતો આર્યન ચાલીમાં દહિહાંડી ફોડવા ઉપર ચઢયો હતો અને નીચે પડી જતા ગંભીર રીતે જખમી થયો હતો. હાલ તેના પર કાંદિવલીની ભાભા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જયારે શ્રેયાંસની જી.ટી. હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

શનિવારે માનખુર્દમાં હાંડી બાંધવા ઉપર ચઢેલા ૩૨ વર્ષના જગમોહન ચૌધરીનું મૃત્યુ થયું હતું. તો ૧૪ વર્ષનો રોહન મોહન માળવી તેના દહિહાંડી ફોડનારા ગ્રૂપ સાથે નીકળ્યો હતો પણ તેને કમળો થયો હોઈ તે હાંડી ફોડવાને બદલે મિત્રો સાથે ગાડીમાં બેઠો હતો અને અને અચાનક તેની તબિયત ખરાબ થતા તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: થાણેમાં ગોવિંદાઓએ 10 થર લગાવ્યા, વિશ્વ રેકોર્ડનો દાવો

પડોશી શહેર થાણેમાં દિવસ દરમ્યાન બાવીસ ગોવિંદાઓ જખમી થયા હતા, જેમાથી ૧૭ને પાલિકા સંચાલિત કલવાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે બાકીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. એ સિવાય ૧૮ વર્ષના યુવક મટકી ફોડવા સમયે ઉપરથી નીચે પડતા તેના માથામાં ઈજા પહોંચતા તેને જે.જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો ગોવિંદાઓના ગ્રૂપ સાથે રહેલા પાંચથી દસ વર્ષના અમુક બાળકો પણ દહિહાંડી ફોડવા દરમ્યાન જખમી થયા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button