વરસાદની ગેરહાજરીમાં તાપમાનમાં વધારો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી હળવાથી મધ્યમ સ્વરૂપના પડી રહેલા વરસાદના ઝાપટાંને કારણે મુંબઈમાં તાપમાનમાં હળવો ઘટાડો જણાયો હતો. જોકે બુધવારના વરસાદની ગેરહાજરીમાં તાપમાનમાં ૩૪.૫ ડિગ્રી જેટલું ઊંચુ નોંધાઈને મુંબઈ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગરમીની સાથે જ હવાની ગુણવત્તા પણ ફરી એક વખત કથળી ગઈ હતી.
વરસાદને કારણે ગરમી અને ઉકળાટમાં થોડી રાહત જણાઈ હતી પણ બુધવારે દિવસ દરમ્યાન વાદળિયા વાતાવરણ અને વરસાદની ગેરહાજરીને કારણે તાપમાનનો પારો ફરી ઊંચો ગયો હતો.
આપણ વાચો: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ‘સેકન્ડ સમર’નો કાળો કેર: કચ્છમાં 38 ડિગ્રી તાપમાન, અનુભૂતિ 42 ડિગ્રી!
બુધવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને લઘુતમ ૨૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈ એક તરફ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. રાજ્યના હિલ સ્ટેશનમાં બુધવારે લઘુતમ તાપમાનનો પારો ૧૫.૪ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો.
મુંબઈમાં કમોસમી વરસાદને પગલે હવામાં રહેલું પ્રદૂષણ ધોવાઈ જતા એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થયો હતો. જોકે બુધવારે ફરી એક વખત એક્યુઆઈ ઊંચો નોંધાયો હતો.
સાંજના સમયે મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૦૫ નોંધાયો હતો. બાન્દ્રામાં એક્યુઆઈ ૧૦૭, બીકેસીમાં ૧૦૫, બોરીવલીમાં ૧૧૫, જુહુમાં ૧૦૨, નેવી નગર-કોલાબામાં ૧૦૨, કુર્લામાં ૧૦૫, મઝગાંવમાં ૧૦૫, પવઈમાં ૧૦૫, વિલેપાર્લેમાં ૧૦૫, મુલુંડમાં ૧૧૦ જેટલો ઊંચો નોંધાયો હતો.



