મુંબઈગરાની સેવામાં સાયનથી મુલુંડ સુધીનો સાઈકલ ટ્રેક ફરી ઉપલબ્ધ થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વીય ઉપનગરમાં સાયનથી મુલુંડ સુધીના તાનસા પાઈપલાઈનને લાગીને ૧૮.૬ કિલોમીટર લાંબો સાઈકલ ટ્રેક, વોક-વે અને બગીચો બનાવવામાં આવ્યો છે. તેની જાળવણી માટે મુંબઈ મહાનગપાલિકા આગામી બે વર્ષ માટે કૉન્ટ્રેક્ટર નીમવામાં માગે છે, તે માટે તેણે ઈચ્છુક સંસ્થાને આમંત્રી છે.
મુંબઈગરાને સાઈકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ૨૦૨૦માં બનાવવામાં આવેલો આ ટ્રેક મોટાભાગે વપરાયા વગરનો પડી રહ્યો છે. તેથી અહીં મોટા પ્રમાણમાં અતિક્રમણ, ગેરકાયદે ડમ્પિંગ અને ગેરકાયદે પ્રવૃતિઓ થઈ રહી છે. જોકે પાલિકા હવે કૉપોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલ દ્વારા તેની જાળવણી કરવાની યોજના ધરાવે છે.
તે માટે તેણે કંપનીઓને આમંત્રી છે અને ઈચ્છુકો ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. સાઈકલ ટ્રેકની જાળવણી પાછળ પાલિકા એક પણ પૈસો ખર્ચવાની નથી. તમામ ખર્ચ પસંદ કરાયેલી સંસ્થા દ્વારા ઊપાડવામાં આવશે. મુંબઈને પાણી પુરવઠો કરનારી તાનસા પાઈપલાઈન વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવા છતાં તેની આજુબાજુ થયેલા અતિક્રમણ થયા હતા.
તેને હાઈ કોર્ટના આદેશ બાદ હટાવવામાં આવ્યા હતા. અતિક્રમણ હટાવ્યા બાદ જગ્યાનો ઉપયોગ નાગરિક કરી શકે તે માટે અહીં સાઈકલ ટ્રેક અને વોક-વે બાંધવામાં આવ્યો હતો પણ લાખો રૂપિયા ખર્ચીને પણ આ ટ્રેકનો ઉપયોગ થતો નહોતો.
ગયા વર્ષે પાલિકાએ ટ્રેકની દેખરેખ માટે ૩.૭ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો અને હવે બે વર્ષ માટે નવેસરથી કરાર કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. જે અંતર્ગત સફાઈ, વૃક્ષોની છટણી સહિત સુરક્ષા રક્ષકની નિમણૂક સહિત અન્ય પાયાભૂત દેખરેખ કરવાની રહેશે.
પાલિકાને આ ખર્ચ પરવડતો ન હોવાને કારણે પાલિકા હવે તે ખાનગી સંસ્થાઓ પાસે કરાવવા માગે છે.
તાનસા પાઈપલાઈનને અડીને આવેલો આ સાયકલ ટ્રેન સિયૉન, કુર્લા, ઘાટકોપર, સાકીનાકાથી મુલુંડ સુધી ફેલાયેલો છે. જોકે હકીકતમાં ફક્ત મુંલુંડમાં જ વાપરવા યોગ્ય જણાઈ રહ્યો છે. બાકીના વિસ્તારમાં ઝાડખાઓ નીચે સાઈકલ ટ્રેક છુપાઈ ગયો છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર પર વધ્યો દેવાનો બોજ: શું લોકપ્રિય યોજનાઓ જવાબદાર છે?