બીમારીનો મહિનો ઑગસ્ટ; જુલાઈ આખા મહિનામાં નોંધાયેલા કેસના ૯૦ ટકા ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, સ્વાઈનફ્લુના કેસ ઑગસ્ટના ૧૪ દિવસમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઑગસ્ટના પહેલાં પખવાડિયામાં પાણીજન્ય કહેવાતી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા અને એચવન-એનવન (સ્વાઈન ફ્લૂ) જેવી બીમારીઓમાં હળવો વધારો જણાઈ રહ્યો છે. પહેલી ઑગસ્ટથી ૧૪ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળામાં સ્વાઈનફ્લૂના ૧૧૯ તો, ડેન્ગ્યૂના ૫૬૨, ચિકનગુનિયાના ૮૪ કેસ નોંધાયા છે.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ મુંબઈમાં જૂન અને જુલાઈની સરખામણીમાં પહેલી ઑગસ્ટથી ૧૪ ઑગસ્ટ સુધીમાં પાણીજન્ય બીમારીના દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. મુંબઈમાં જૂનમાં ૧,૩૯૫ દર્દી, જુલાઈમાં ૩,૦૪૪ દર્દી નોંધાયા હતા. તેની સામે ઑગસ્ટના ૧૪ દિવસમાં અત્યાર સુધી ૨,૦૯૮ દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેમાં ડેન્ગ્યૂ, મલેરિયા, લેપ્ટો, સ્વાઈન ફ્લૂના દર્દીની સંખ્યા વધુ છે. તો જૂન અને જુલાઈની સરખામણીમાં ગૅસ્ટ્રો અને હેપેટાઈટીસ (કમળો)ના દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ચોમાસું ચાલુ થયું ત્યારથી મલેરિયા, ડેન્ગ્યૂ, ગૅસ્ટ્રો, હેપેટાઈટિસ અને લેપ્ટોના દર્દીમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જૂનમાં ચોમાસું ચાલુ થવાની સાથે જ મલેરિયા, ડેન્ગ્યૂ, ગૅસ્ટ્રોના દર્દીની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જુલાઈમાં લેપ્ટો અને સ્વાઈનફલૂના દર્દીમાં વધારો થયો હતો. જોકેે ઑગસ્ટમાં ગૅસ્ટ્રો અને હેપેટાઈટીસના કેસમાં ઘટાડો થયો હતો મલેરિયા, ડેન્ગ્યૂ અને લેપ્ટોના દર્દીમાં મોટો વધારો થયો છે. ૧૪ ઑગસ્ટ સુધી મુંબઈમાં મલેરિયાના ૫૫૫ દર્દી, ડેન્ગ્યૂના ૫૬૨ અને લેપ્ટોના ૧૭૨ દર્દી નોંધાયા હતા.
મલેરિયાને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ ઑગસ્ટમાં ૧૨,૦૭૨ બિલ્ડિંગ અને ૩,૯૧૦ ક્ધસ્ટ્રકશન સાઈટની તપાસ કરી હતી. આ ઈન્સ્પેકશન દરમિયાન મચ્છરોના પ્રજનન થઈ શકે તેવા ૩૧,૫૦૪ બ્રિડિંગ સ્થળોની તપાસ કરી હતી અને તેમાંથી ૨,૪૨૬ જગ્યાએ મલેરિયા ફેલાવતા અનોફિલીસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ડેન્ગ્યૂને નિયંત્રણમાં લાવવા માટે ઑગસ્ટમાં ૬,૩૨,૯૯૭ ઘરની તપાસ કરાઈ હતી, ૬,૯૦,૨૨૩ ક્ધટેનર તપાસ કર્યા હતા, તેમાંથી ૧૪,૦૯૬ જગ્યાએ એડિસ મચ્છરોનાં ઉત્પત્તિ સ્થળ મળી આવ્યાં હતાં. આ દરમિયાન જુદાં જુદાં સ્થળે પડી રહેલા ૧,૪૨૬ ટાયરનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગંદાં પાણીમાં ઉંદરના મળમૂત્ર હોવાને કારણે આવાં ગંદા પાણીમાં ચાલનારી વ્યક્તિને પગમાં જો પહેલાથી કોઈ જખમ હોય તો તેને લેપ્ટોસ્પાયરોસિસ થવાનું જોખમ હોય છે. ઑગસ્ટ મહિનામાં ૪૨૨ ઉંદરોને ઝેરી દવા આપીને મારી નાખવામાં આવ્યા હતા. ૧,૪૯૦ ઉંદરોને પિંજરામાં પકડવામાં આવ્યા હતા. તો ૧૭,૮૯૦ ઉંદરોને રાતના સમયે મારવામાં આવ્યા હતા.
કયારે કેટલા કેસ? (૧૪ દિવસ)
જૂન – ૧,૩૯૫
જુલાઈ – ૬૦૪૪
ઑગસ્ટ -૨,૦૯૮