મુંબઈના ગઢ માટેની લડાઈમાં, હરીફ શિવસેના જૂથો ગણેશ મંડળોને રીઝવવાની હરીફાઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈના ગઢ માટેની લડાઈમાં, હરીફ શિવસેના જૂથો ગણેશ મંડળોને રીઝવવાની હરીફાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના મહાનગરપાલિકા માટેની લડાઈ નજીક આવી રહી છે, ત્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને તેની હરીફ શિવસેના (યુબીટી) ગણેશ મંડળોને રીઝવવા માટે સ્પર્ધા કરી રહી છે.

શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો દાવો છે કે ગણેશ ઉત્સવના આયોજન માટે ‘અભૂતપૂર્વ’ સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેના કારણે ઘણા મંડળો વફાદારી બદલી રહ્યા છે.

જોકે, સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ હરીફ જૂથ પર મંડળોને પૈસાથી લલચાવવાનો આરોપ લગાવ્યો છે.
મંડળો કોણ છીનવી રહ્યું છે? તમે તેમને ક્યાં લઈ જશો? તમે આખરે મુંબઈમાં જ રહેશો. ગણપતિ બાપ્પાના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તમે મંડળો છીનવી લેવાથી અમને કોઈ ફરક પડતો નથી, એમ ઠાકરેએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું.

શિવસેનાના એક કાર્યકર્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિંદેની પાર્ટી દ્વારા આપવામાં આવેલા ઉદાર સમર્થનને કારણે મંડળોમાં તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.

ગણેશ ચતુર્થીની ઉજવણી કરતી સમુદાય સંસ્થાઓ-મંડળો તરફથી મળતું સમર્થન શિંદેની આગેવાની હેઠળની સેના માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જે હજુ પણ મુંબઈમાં પગપેસારો કરવા માટે સંઘર્ષ કરી રહી છે, લાંબા સમયથી અવિભાજિત શિવસેનાનું એક વખત આ બધા પર પ્રભુત્વ હતું.

મુંબઈમાં લગભગ 14,000 મંડળો છે જેમાંથી 8,000 રજિસ્ટર્ડ છે.
રાજકીય વિશ્લેષકોએ નોંધ્યું હતું કે આ મંડળો, જે દહીં હાંડી, નવરાત્રી અને કેટલાક કિસ્સાઓમાં સાંઈબાબા ઉત્સવોનું પણ આયોજન કરે છે, તે સ્થાનિક રાજકારણ સાથે ઊંડે સુધી જોડાયેલા છે.

તેમણે સમજાવ્યું હતું કે કોર્પોરેટરો, વિધાનસભ્યો અને સાંસદો ઘણીવાર મંડળોને ટેકો આપવામાં ભૂમિકા ભજવે છે, જે મોટાભાગે દાન પર આધાર રાખે છે.


લાલબાગ-પરેલ જે એક સમયે અવિભાજિત સેનાનો ગઢ હતો, તેના સેના (યુબીટી)ના એક કાર્યકર્તાએ કહ્યું કે જ્યારે 1966માં પાર્ટીની સ્થાપના થઈ ત્યારે સ્વ. બાળ ઠાકરેએ પાર્ટીના કાર્યકરોને ગણેશોત્સવ, નવરાત્રોત્સવ અને દહીં હાંડીની ઉજવણીનું આયોજન કરતા મંડળો પર પ્રભુત્વ મેળવવાનો નિર્દેશ આપ્યો હતો.

આના કારણે મોટાભાગના મંડળો પર દાયકાઓ સુધી શિવસેનાનું વર્ચસ્વ રહ્યું હતું.
જોકે, પાર્ટીના વિભાજન અને શિંદેના નવા નેતા તરીકે ઉભરી આવ્યા પછી, છેલ્લા બેથી ત્રણ વર્ષોમાં પરિસ્થિતિ બદલાવા લાગી છે.

સેના (યુબીટી)ના કાર્યકર્તાએ સ્વીકાર્યું કે શિંદેના નેતૃત્વ હેઠળનું જૂથ મંડળોને દાન આપીને આકર્ષિત કરી રહ્યો છે, અને ભાજપ અને મનસે જેવા અન્ય પક્ષો પણ તેમની સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.

‘અગાઉ, અવિભાજિત શિવસેના સાથે જોડાયેલા મંડળોને પક્ષ માટે સહાનુભૂતિ ધરાવતા લોકોનો ટેકો મળ્યો હતો. શિંદેએ સત્તા સંભાળી ત્યારથી, મંડળોને દાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઘણા લોકો નિષ્ઠા બદલવા માટે પ્રેરિત થયા છે,’ એમ તેમણે કહ્યું હતું.

શિંદે સેનાના એક કાર્યકર્તાએ સ્વીકાર્યું કે અસંખ્ય મંડળોએ તેમના પક્ષનો સંપર્ક કર્યો છે.
તેમણે નોંધ્યું હતું કે મંડળો ફક્ત નાણાકીય સહાય જ નહીં, પણ પંડાલ સ્થાપવા અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે પરવાનગીઓ માટે પણ મદદની જરૂર પડે છે.

‘અમે તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ચાર મહિના પહેલા એક હેલ્પ ડેસ્ક સ્થાપી હતી. આ વર્ષે, ઘણા મંડળોએ અમારો સંપર્ક કર્યો છે. છેલ્લા બે વર્ષથી મંડળોને આપવામાં આવતી સહાયનું સ્તર અભૂતપૂર્વ રહ્યું છે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે એકનાથ શિંદે આ વર્ષે પણ મુંબઈ અને થાણેમાં ગણેશ પંડાલોની મુલાકાત લેશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીઓ છેલ્લે 2017માં યોજાઈ હતી.
તે સમયે, ભાજપે શિવસેનાના ગઢમાં નોંધપાત્ર પ્રવેશ કર્યો હતો, 82 બેઠકો મેળવી હતી, શિવસેનાની બેઠકો કરતાં માત્ર બે ઓછી. જોકે, 227 સભ્યોની પાલિકામાં કોઈ પણ પક્ષ 114ના બહુમતી આંક સુધી પહોંચ્યો ન હતો.

કોંગ્રેસ 31 બેઠકો સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી, જ્યારે અવિભાજિત એનસીપી અને રાજ ઠાકરેની મનસે અનુક્રમે 9 અને 7 બેઠકો મેળવી શકી હતી. બીએમસી ચૂંટણીમાં એઆઈએમઆઈએમએ પહેલી વાર ત્રણ બેઠકો જીતી હતી, સમાજવાદી પાર્ટીએ છ, અખિલ ભારતીય સેનાએ એક અને અપક્ષોએ ચાર બેઠકો જીતી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button