સંદેશા વ્યવહારના આટલા સાધનો હોવા છતા આજની રજાનો સંદેશ મુંબઈની સ્કૂલોની ન પહોંચાડી શકી બીએમસી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં માછીમારો દ્વારા ઉજવાતા નાળિયેરી પૂર્ણિમાના દિવસે એટલે કે આજે મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી છે, પરંતુ રજા એટલી મોડી જાહેર કરવામાં આવી કે વિદ્યાર્થીઓ સ્કૂલે આવી ગયા. આટલા હાઈ ટેકનોલોજીના જમાનામાં એક સામાન્ય રજાનો સંદેશ પણ મુંબઈ મહાનગરપાલિકા સ્કૂલો અને કોલેજો સુધી પહોંચાડી શકી નથી.
આ વર્ષે નાળિયેરી પૂર્ણિમા (૮ ઓગસ્ટ) ની રજાને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણ જોવા મળી છે. રાજ્ય સરકારે રજા જાહેર કરી હોવા છતાં, આ આદેશ સમયસર ન મળતા ઘણી શાળાઓ અને કોલેજો ચાલુ છે. આના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે અને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
રજાનો આદેશ અને મૂંઝવણનું કારણ
મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગે ૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરો માટે સ્થાનિક રજા જાહેર કરી હતી. દહીં હાંડી અને અનંત ચતુર્દશીની રજાઓ રદ કરવામાં આવી હતી, અને તેના બદલે, બે દિવસ, નાળિયેરી પૂર્ણિમા અને જ્યેષ્ઠ ગૌરી વિસર્જન માટે રજાઓ જાહેર કરવામાં આવી હતી.
જોકે, આ આદેશ ખૂબ મોડો જારી કરવામાં આવ્યો હતો. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પરિપત્ર પણ મોડી રાત્રે જારી કરવામાં આવ્યો હતો, જેના કારણે આ માહિતી શાળાઓ અને કોલેજો સુધી સમયસર પહોંચી ન હતી. મોટાભાગનાને ખબર જ ન હતી કે રજા છે કે નહીં. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર રજાની જાહેરાત પણ સમયસર ન કરી શકે. આ એક આદેશથી લાખો લોકો હેરાન થઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા અને પાછું ફરવું પડ્યું હોવાની પણ માહિતી મળી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્યપાલના આદેશ પર નાયબ સચિવ દિલીપ દેશપાંડે દ્વારા સરકાર તરફથી આ આદેશ જારી કરવામાં આવ્યો હતો, અને તે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો અને વિવિધ મંત્રાલયોને મોકલવામાં આવ્યો હતો. જોકે, વહીવટી વિલંબને કારણે વર્કિગ અવર્સમાં આ માહિતી સંબંધિત સંસ્થાઓને પહોંચી ન હતી. સરકારી કર્મચારીઓને સમયસર જાણ થઈ ગઈ અને તેથી આજે સરકારી કચેરીઓ બંધ રહશે, પણ બિચારા વિદ્યાર્થીઓ-શિક્ષકોએ નાહકની પરેશાની ઉઠાવવી પડી છે. આજકાલ માત્ર એક ઈમેલ કરવાથી સેંકડો-હજારો લોકો સુધી સેકન્ડમાં સંદેશ પહોંચાડી શકાય છે, પરંતુ સરકારી સંસ્થાઓના કારભારને લીધે આવું એક સામાનય કામ પણ સમયસર થઈ શક્યું નથી.
આપણ વાંચો: મુંબઈમાં ચિકનગુનિયાનો પ્રકોપ: કેસમાં 200 ટકાનો વધારો, WHO એ વ્યક્ત કરી ચિંતા