મુંબઈમાં આ સરકારી શાળાની 107 વિદ્યાર્થિનીઓ ભોજન ખાધા બાદ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની
મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સોડે ગામમાં આવેલી આશ્રમ શાળાની 107 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છેય જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની તબિયત બગડવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.
ધનોરા તાલુકાના સોડે ગામની સરકારી આશ્રમ શાળામાં 358 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. અહી શાળામાં બપોરના મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે ત્યારે બપોરના ભોજન બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થિનીઓને સ્થાનિક ધનોરા ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે 107 વિદ્યાર્થીનીઓને ગ્રામીણ હોસ્પિટલ ધનોરામાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી 35 ગંભીર વિદ્યાર્થિનીઓની હાલત વધારે ગંભીર થવાના કારણે તેમને ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ ઘટનાની માહિતી ઉચ્ચ અધિકારીઓને મળતાં જ આદિજાતિ વિકાસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર સહિત વરિષ્ઠ અધિકારીઓ આશ્રમ શાળાએ પહોંચ્યા હતા.
વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવા માટે 12 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી. જો કે મળતી માહિતી મુજબ હાલમાં વિદ્યાર્થીનીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓને શું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.