લંડન કરતાં વધુ સુરક્ષિત છે મુંબઈ? વિદેશી કન્ટેન્ટ ક્રિએટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ

જો લંડન કો કોઈ બહારના દેશથી આવેલી વ્યક્તિ તમને કહે કે મુંબઈ એ એમના દેશ કે શહેરથી વધારે સુરક્ષિત છે તો કેવી લાગણી થાય? ગર્વની લાગણીથી છાતી ગજ ગજ ફૂલી જાય ને?સાંભળવામાં ભલે અજીબોગરીબ લાગે પણ હકીકતમાં આવું બન્યું છે. સોશિયલ મીડિયા પર હાલમાં આવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં લંડનથી મુંબઈ ફરવા આવેલા એક કન્ટેન્ટ ક્રિયેટરે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે મુંબઈ બ્રિટનની રાજધાની લંડનથી વધારે સુરક્ષિત છે. ચાલો જોઈએ આખરે શું છે આખો મામલો?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે મુંબઈના રસ્તા પર એક યુવક આરામથી મોબાઈલ ફોન યુઝ કરતો કરતો ચાલી રહ્યો છે અને બાદમાં તે પોતાનો ફોન ખિસ્સામાં મૂકી દે છે. આ જ વીડિયો સાથે એક બીજો વીડિયો મર્જ કરવામાં આવ્યો છે જેમાં એ જ યુવક લંડનના રસ્તા પર ચાલી રહ્યો છે, પરંતુ આ સમયે ફોન કરતી વખતે તેના ચહેરા પર ગભરાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ તે પોતાનો ફોન જેકેટથી ઢાંકી ઢાંકીને યુઝ કરતો જોવા મળે છે.
આખી સ્ટોરી જણાવીએ તો લંડનના આ કન્ટેન્ટ ક્રિયેટરે જણાવ્યું હતું કે ફોન સ્નેચિંગના કેસમાં મુંબઈ લંડનની સરખામણીએ વધારે સુરક્ષિત છે. ઓનત સિયાહાન નામના આ યુવકે મુંબઈ અને લંડનમાં જાહેરમાં ફોનનો ઉપયોગ કરવાનો પોતાનો અનુભવ જણાવ્યો હતો.
સિયાહાન એક ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ છે અને તે એક ટ્રાવેલર પણ છે. તેણે જણાવ્યું હતું કે લંડનની સરખામણીએ મુંબઈમાં ફોન રસ્તા પર યુઝ કરવામાં વધારે સહજતા અનુભવી હતી. તેણે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે દુનિયાની 30થી વધુ રાજધાનીઓમાં પ્રવાસ કર્યા બાદ દુનિયાના સૌથી વિકસીત શહેરમાંથી એક એવા લંડનમાં ફોનનો ખુલીને ઉપયોગ ન કરી શકવું મને હચમચાવી મૂકે છે.
તેણે આગળ એવું પણ કહ્યું હતું કે હકીકતમાં મને લાગે છે કે પરિસ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થઈ રહ્યા છે. જો તમે આરામથી પાર્કમાં તમારો ફોન લઈને બેઠા છો તો એ લોકો આવીને તમારો ફોન છીનવીને જતા રહેશે.
સિયાહાનની આ પોસ્ટ પર યુઝર્સની જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. અનેક યુઝર્સે પોતાનો અનુભવ પણ કમેન્ટ સેક્શનમાં શેર કર્યો છે. એક યુઝરે જણાવ્યું હતું કે જિંદગીમાં એક જ વખત મારું ખિસ્સુ કપાયું હતું અને એ પણ લંડનમાં. હું ભારત, દક્ષિણ આફ્રિકા અને કોલંબિયામાં પણ રહ્યો છું. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ હકીકત છે. લંડનમાં જ મારો પાસપોર્ટ ચોરાઈ ગયો હતો. હું આખી જિંદગી ભારતમાં રહ્યો છું પણ મને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો.
સિયાહાનનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે હાલમાં જ એક મહિલા કન્ટેન્ટ ક્રિયેટર મુંબઈને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર ગણાવ્યું હતું. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…