આમચી મુંબઈ

રસ્તા ખોદવા પહેલા લોકપ્રતિનિધિ સાથે સંવાદ સાધવાની પાલિકા કમિશનરનો નિર્દેશ

મુંબઈમાં રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું ૬૩ ટકા કામ પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં મોટા પાયા પર રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનના કામ હાથ ધરવામાં આવ્યા છે, જોકે તે માટે ઠેર-ઠેર ખોદી મૂકવામાં આવેલા રસ્તાને કારણે નાગરિકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ હાથ ધરતા સમયે લોકપ્રતિનિધિ સાથે સંવાદ સાધવાનો નિર્દેશ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે યોજાયેલી બેઠકમાં પોતાના અધિકારીઓને આપ્યો હતો. આ દરમ્યાન મુંબઈમાં સરેરાશ ૬૩ ટકા કૉંક્રીટાઈઝેશનનું કામ પૂર્ણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

‘ખાડામુક્ત મુંબઈ’ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે. બે તબક્કામાં કૉંક્રીટાઈઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પહેલા તબક્કામાં અત્યાર સુધી ૭૭ ટકા કામ પૂરું થયું છે. તો બીજા તબક્કામાં અત્યાર સુધી બાવન ટકા કામ પૂરું થયું છે. બંને તબક્કાનું કુલ મળીને સરેરાશ ૬૩ ટકા કામ પૂરું થઈ ગયું હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.

મુંબઈમાં ઠેર ઠેર કૉંક્રીટાઈઝેશનના કામ માટે રસ્તા ખોદી મૂકવામાં આવે છે અને તેને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખત કૉન્ટ્રેક્ટર રસ્તો ખોદીને ગાયબ થઈ જતો હોય છે અને તેને કારણે રહેવાસીઓથી લઈને કમર્શિયલ વિસ્તારમાં લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી નગરસેવકો નહીં હોવાને કારણે અધિકારીઓ મનફાવે તેમ કામ કરી રહ્યા હોવાની ફરિયાદો આવી રહી હતી, તેના અનુસંધાનમાં પાલિકા કમિશનરે તેમના અધિકારીઓને એવો નિર્દેશ આપ્યો હતો કે કોઈ પણ વિસ્તારમાં કૉંક્રીટાઈઝેશનના કામ કરવાના હોય તો માટે સ્થાનિક જનપ્રતિનિધિ સંવાધ સાધવો અને તેમની પાસેથી માહિતી મેળવી અને તે મુજબનું પ્લાનિંગ કરીને કામ અમલમાં મૂકવુંં.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે બે તબક્કામાં મુંબઈમાં રસ્તાનું કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે. પહેલા અને બીજા તબક્કામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં કકુલ ૧,૫૯૪ રસ્તાના મળીને કુલ ૪૩૦.૬૯ કિલોમીટર લંબાઈના રસ્તાનું કૉંક્રીટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે. પહેલા તબક્કામાં નક્કી કહેલા લક્ષ્યાંકમાંથી અત્યાર સુધી ૭૭ ટકા અને બીજા તબક્કામાં બાવન ટકા કામ પૂર્ણ થયું છે. બંને તબક્કાનું સરેરાશ ૬૩ ટકા કામ પૂર્ણ થયું છે.

આપણ વાંચો:  પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની મિલકતની ઈ-લિલામીની પ્રક્રિયા શરૂ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button