મુંંબઈમાં ૩૪૨.૭૪ કિ.મી. રસ્તાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બે તબક્કામાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત ફેઝ-વનમાં અત્યાર સુધી ૬૫.૫૩ ટકા અને ફેઝ-ટૂમાં માત્ર ૩૬.૮૪ ટકા કામ પૂરું થયું છે. કૉંક્રીટાઈઝેશન માટે ૩૧ મે, ૨૦૨૫ સુધીની મુદતમાં ૧,૩૮૫ રસ્તાના મળીને કુલ ૩૪૨.૭૪ કિલોમીટર લંબાઈના રોડનું કૉંક્રીટીકરણ પૂરું કરવામાં આવ્યું છે, જેમાં ૭૭૧ રસ્તાનાં કુલ ૧૮૬ કિલોમીટર લંબાઈના કામ ૧૦૦ ટકા પૂરા થઈ ગયા હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.
દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચયા બાદ પણ ડામરના રસ્તા પર થોડા વરસાદમાં ખાડા પડી જતા હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પાલિકાના દાવા મુજબ રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કારણે ખાડા પડવાનું પ્રમાણ ઘટવાની સાથે જ રસ્તાનું આયુષ્ય વધી જાય છે. આ કામ ફેઝ-વન અને ફેઝ-ટૂ એમ બે તબક્કામાં કામ કરવામાં આવી રહ્યા છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કૉંક્રીટીકરણના પ્રોજેક્ટમાં બે તબક્કામાં કુલ ૨,૧૨૧ રસ્તાના કામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૯૮.૪૪ કિલોમીટર લંબાઈના રસ્તાનો સમાવેશ થાય છે. તેમાંથી ૩૧ મે, ૨૦૨૫ સુધીની ડેડલાઈનમાં ૧,૩૮૫ રસ્તાના મળીને કુલ ૩૪૨.૭૪ કિલોમીટરના કામ પૂરા કરવામાં આવ્યા છે. એટલે કે પૂરા થયેલા કામની ટકાવારી ૪૯.૦૭ છે. કુલ ૧૮૬ કિલોમીટર લંબાઈના ૭૭૧ રસ્તા એક છેડાથી બીજા છેડા (એન્ડ ટુ એન્ડ) સુધીના પૂરા થયા છે. તો ૧૫૬.૭૪ કિલોમીટર લંબાઈના ૬૧૪ રસ્તાના કામ જંકશન ટુ જંકશન એટલે કે અડધા જ પૂરા થયા છે, જેના કામ હવે ચોમાસું બાદ ફરી હાથમાં લેવામાં આવશે.
ફેઝ-વનમાં ૬૩.૫૩ ટકા કામ પૂરું
ફેઝ-વન અંતર્ગત ૩૨૦.૦૮ કિલોમીટર લંબાઈના ૭૦૦ રસ્તાના કૉંક્રીટીકરણના કામ હાથમાં લેવામાં આવ્યા છે, તેમાંથી ૧૦૧.૬૭ કિલોમીટર લંબાઈના ૩૪૩ રસ્તાના કામ એન્ડ ટુ એન્ડ પૂરા થયા છે. તો જંકશન ટુ જંકશન ૨૩૯ રસ્તાના મળીને ૧૦૧.૬૮ કિલોમીટર લંબાઈના કામ પૂરા થયા છે. કુલ ૭૦૦માંથી ૫૮૨ રસ્તાના કામ પૂરા થયા હોઈ તેની કુલ લંબાઈ ૨૦૩.૩૬ કિલોમીટર છે. નક્કી કરેલા લક્ષ્યાંકમાંથી ૬૩.૫૩ ટકા કામ પૂરું થયું છે.
ફેઝ-ટૂમાં માંડ ૩૬.૮૪ ટકા કામ પૂરું
પાલિકા ફેઝ-ટૂમાં માત્ર ૩૬.૮૪ ટકા જેટલું જ કામ અત્યાર સુધી પૂરું કરી શકી છે. ફેઝ-ટૂમાં ૩૭૮.૩૬ કિલોમીટર લંબાઈના ૧,૪૨૧ રસ્તાના કૉંક્રીટીકરણના કામ હાથમાં લીધા છે, તેમાંથી ૮૦૩ રસ્તાના કામ પૂરા થયા છે, જેમા ૮૪.૩૩ કિલોમીટર લંબાઈના ૪૨૮ રસ્તાના કામ એન્ડ ટુ એન્ડ તો ૫૫.૦૬ કિલોમીટર લંબાઈના કુલ ૩૭૫ રસ્તાના કામ જંકશન ટુ જંકશન પૂરા થયા છે. ૩૧મે, ૨૦૨૫ની મુદતમાં ૧૩૯.૩૮ કિલોમીટર લંબાઈના ૮૦૩ રસ્તાના કામ પૂરા થયા છે, જે માત્ર ૩૬.૮૪ ટકા છે.