ખાડાએ લીધો જીવ: લાલબાગચા રાજાના દર્શન કરી પાછા ફરી રહેલા ગુજરાતી યુવકનું અકસ્માતમાં મોત
ટૂ-વ્હીલર સ્કીડ થઈ અને યુવકનું માથું બેસ્ટની યાટર નીચે આવી ગયું.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બરોબર ગણેશોત્સવ દરમ્યાન રસ્તા પરના એક ખાડાએ બાવીસ વર્ષના ગુજરાતી યુવકનો જીવ લીધો હતો. વહેલી સવારના લાલબાગચા રાજાના દર્શન કરીને ટૂ-વ્હીલર પરથી ઘરે પાછા ફરતા સમયે પવઈમાં રસ્તા પરના ખાડાથી બચવાના ચક્કરમાં સ્કૂટી સ્કીડ થઈ ગઈ હતી અને બરોબર એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બેસ્ટની બસ સ્કૂટી પરથી પડી ગયેલા ગુજરાતી યુવક દેવાંશ પટેલના માથા પરથી ફરી વળી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો બીજા યુવક પર પવઈની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
શુક્રવારે વહેલી સવારના ૬.૫૫ વાગે પવઈ આઈઆઈટી ગેટ પાસે આ બનાવ બન્યો હતો. ઘટના સ્થળેથી મળેલી માહિતી મુજબ વિક્રોલી ડેપોની ઓલેક્ટ્રા કૉન્ટ્રેક્ટરની એસી એ-૪૨૨ નંબરની બસ વિક્રોલીથી બાન્દ્રા બસ સ્ટેશન જઈ રહી હતી ત્યારે પવઈ આઈઆઈટી માર્કેટના મેઈન ગેટ બસ સ્ટોપ આ દુર્ઘટના બની હતી,
આપણ વાંચો: માનખુર્દમાં રસ્તા પરના બર્ગરે લીધો યુવકનો જીવ
જેમાં ગેટ સામેના રસ્તા પર રહેલા ખાડાને જોતા તેનાથી બચીને ૨૩ વર્ષનો સ્વપનીલ વિશ્ર્વકર્મા સ્કૂટર ચલાવવા ગયો હતો પણ બરોબર તે જ સમયે જમણી બાજુએ દોડી રહેલી કારે તેને કટ મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્કૂટર સ્કીડ થઈ હતી
પોલીસના જણાવ્યા મુજબ સ્કૂટર સ્કીડ થયાની સાથે જ સ્વપનીલ તથા તેની પાછળ બેઠેલો દેવાંશ ભરત પટેલ બંને રસ્તા પર પડી ગયા હતા. દેવાંશ જમણી બાજુએ પડયો હતો અને બરોબર તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બેસ્ટની બસનો ડાબી બાજુનો ટાયર તેના માથા પરથી પસાર થઈ ગયો હતો.
તેને ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ સારવાર પહેલા જ તેને ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. તો સ્વપનીલ પર પવઈમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે આ અકસમાત બાદ બેસ્ટના ૫૭ વર્ષના ડ્રાઈવર ઉત્તમ જીજાબા કુમકર સામે કેસ નોંધીને તપાસ આદરી હતી.