રાષ્ટ્રીયકૃત બૅંકનો નિવૃત્ત કર્મચારી બે મહિનામાં બે વાર છેતરાયો: બાવન લાખ રૂપિયા ગુમાવ્યા | મુંબઈ સમાચાર

રાષ્ટ્રીયકૃત બૅંકનો નિવૃત્ત કર્મચારી બે મહિનામાં બે વાર છેતરાયો: બાવન લાખ રૂપિયા ગુમાવ્યા

મુંબઈ: મુંબઈમાં રાષ્ટ્રીયકૃત બૅંકનો નિવૃત્ત કર્મચારી બે મહિનામાં બે વખત છેતરપિંડીનો ભોગ બન્યો હતો. શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે ઠગોએ તેની પાસેથી બાવન લાખ રૂપિયા પડાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ગોરેગામ વિસ્તારમાં રહેનારા બૅંકના નિવૃત્ત કર્મચારીએ આ પ્રકરણે નોર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં મંગળવારે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીને જૂન મહિનામાં એક વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરવામાં આવ્યો હતો, જેમાં ઍડમિન દ્વારા શેર ટ્રેડિંગ પર ટિપ્સ આપવામાં આવતી હતી.

થોડા દિવસ બાદ ફરિયાદીને વ્હૉટ્સઍપ પર મહિલાનો મેસેજ આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે તેને શેર ટ્રેડિંગમાં રોકાણ કરવામાં રસ છે?

આ પણ વાંચો: ડૉક્ટરે લોન ફ્રોડમાં 21 લાખ ગુમાવ્યા: ફાઇનાન્સ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો

ફરિયાદીએ રસ દાખવતાં તેને મોબાઇલ પર લિંક મોકલવામાં આવી હતી, જેના થકી તેણે મોબાઇલ ઍપ ડાઉનલોડ કરી હતી.

તેણે શેરમાં રોકાણ કરવા વિવિધ બૅંક ખાતાંમાં 30.65 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા અને તેને 1.30 કરોડ રૂપિયાનું વળતર મળ્યું હોવાનું બતાવવામાં આવ્યું હતું.

પંદરમી જુલાઇએ તેણે ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીના શેરમાં રોકાણ કરવા વિશે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઇ હતી. તેણે સૂચના પ્રમાણે ઍપ ડાઉનલોડ કરી વિવિધ બૅંક ખાતાંંમાં વધુ 21.25 લાખ રૂપિયા જમા કર્યા હતા. બાદમાં તેને એવું બતાવવામાં આવ્યું હતું કે તેનો નફો 1.46 કરોડ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો: રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નિવૃત્ત સરકારી અધિકારી સાથે 2.85 કરોડની ઠગાઇ

જોકે ફરિયાદીએ બાદમાં રૂપિયા કાઢવા માટે બંને કંપનીનો સંપર્ક સાધતાં તેમણે નફો અને મૂળ રકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button