જળાશયોમાં ઘટી રહી છે પાણીની સપાટી: હાલ ફક્ત ૪૨ ટકા જ જથ્થો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ ગયેલા ઉનાળાને કારણે પાણીનો વપરાશ તો વધ્યો છે પણ સાથે જ ગરમીને કારણે જળાશયોમાં પણ પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. તેથી મુંબઈને પાણીપુરવઠો પુરો પાડનારાં જળાશયોમાં પણ પાણીની સપાટીમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. હાલ સાતેય જળાશયોમાં કુલ ૪૨ ટકા પાણીનો સ્ટોક બચ્યો છે.
Also read : ઘાટકોપરવાસીઓ સાવધાનઃ સુધરાઈનું પાણી પીતા પહેલા કરી લો આ મહત્વનું કામ નહીંતર…
ચોમાસાને હજી ત્રણ મહિનાનો સમય બાકી છે. તેથી જળાશયોમાં રહેલા પાણીને જ સંભાળીને વાપરવાનું છે. મુંબઈને મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, વિહાર, તુલસી અને રાજય સરકારના અપર વૈતરણા અને ભાતસા આ સાત જળાશયમાંથી પાણીપુરવઠો થાય છે. સાતેય જળાશયોની પાણીની સમાવવાની ક્ષમતા ૧૪,૪૭,૩૭૮ મિલ્યન લિટરની છે. મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.
ઉનાળાના આગમનની સાથે જ પાણીનો વપરાશ વધવાને કારણે તેમ જ બાષ્પીભવનને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. હજી ૨૪ ફેબ્રુઆરીએ જળાશયોમાં ૫૧.૧૨ ટકા પાણી હતું. તો ૧૫ માર્ચ, શનિવારના સાતેય જળાશયોમાં ૪૨.૧૩ ટકા જેટલો પાણીનો સ્ટોક હતો. માત્ર ૧૯ દિવસમાં જળાશયોમાં નવ ટકાનો ઘટાડો થયો છે, જેમાં પાણીના વપરાશની સાથે જ પાણીનું બાષ્પીભવન થતા પાણીનું ગળતર અને પાણીની ચોરીનો પણ સમાવેશ થાય છે. તેથી જળાશયોની ઘટતી સપાટીએ ચિંતા વધારી દીધી છે.
સાતેય જળાશયોમાં હાલ ૬,૦૯,૭૪૦ મિલ્યન લિટર એટલે કે ૪૨.૧૩ ટકા પાણીનો જથ્થો છે. ગયા વર્ષે આ જ સમયે ૫,૩૧,૮૩૧ મિલ્યન લિટર એટલે કે ૩૬.૭૪ ટકા પાણીનો સ્ટોક હતો, જે પ્રમાણમાં ઓછો હતો, એના અગાઉ ૨૦૨૩ની સાલમાં ૬,૨૩,૧૩૯ મિલ્યન લિટર એટલે કે ૪૩.૦ ટકા પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે જળાશયોમાં પાણીનું સ્તર એકદમ જ ઘટી જવાને કારણે પાંચ જૂન, ૨૦૨૪ખી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો હતો. એ અગાઉ ૩૦ મે, ૨૦૨૪થી પાંચ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો હતો.
Also read : ૪૨૩ કિલોમીટર રસ્તામાંના ૫૦ ટકાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું કર્યું સુધરાઈએ…
૧૫૦ દિવસ વાંધો નહીં આવે
પાણીપુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાણીની સપાટીમાં ચોક્કસ ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ચિંતાનું કારણ નથી. વરસાદ જો થોડો પણ મોડો પડે તો પણ પાલિકાએ પાણીપુરવઠો જુલાઈ સુધી ચાલી રહે તે પ્રમાણેનું આયોજન કરી રાખ્યું છે. હાલ જળાશયોમાં લગભગ ૧૫૦ દિવસ ચાલે એટલું પાણી છે. એ સિવાય જો વરસાદ મોડો પડયો અને પાણીની ગંભીર સમસ્યા નિર્માણ થઈ તો રાજ્ય સરકારની માલિકીના અપર વૈતરણા તેમ જ ભાતસામાં રહેલા રિઝર્વ સ્ટોક વાપરવાની મંજૂરી રાજય સરકાર આપી શકે છે. આ બંને જળાશયોના રિઝર્વ સ્ટોકમાંથી ૭૫,૦૦૦ મિલ્યન લિટર પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.