ઘર ખરીદદારો સાથે 100 કરોડની છેતરપિંડી: રિયલ એસ્ટેટ ડેવલપર, તેની પત્ની અને અન્યો વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: વડાલા વિસ્તારમાં હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટનું વચન આપી ઘર ખરીદદારો સાથે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા તેમ જ ભંડોળનો ઉપયોગ અંગત વપરાશ માટે કરવાના આરોપસર રિયલ એસ્ટેટ ડેવલપર, તેની પત્ની અને અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
કાંદિવલી પશ્ચિમમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિલ મોહનલાલ દ્રોણે (62) આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ પ્રાથમિક તપાસ કર્યા બાદ બુધવારે રિયલ એસ્ટેટ ડેવલપર સુબ્બરાવ આનંદ બિલયનુર, તેની પત્ની ઉમા સુબ્બરામન તેમ જ અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુબ્બરામન બિલયુનર, તેની પત્ની ઉમા, બી.પી. ગંગર ક્ધસ્ટ્રકશન્સ તથા અન્યોએ 2018થી વડાલા પશ્ચિમમાં કાત્રક રોડ પર ‘સ્કાય 31’ હાઉસિંગ પ્રોજેક્ટના નામે 102 જેટલા લોકો પાસેથી 100 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને દરેકને ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: iPhone 17 Pro Maxના બોક્સનું સીલ ખોલવાનો વીડિયો વાયરલ: જુઓ સ્કેમર્સ કેવી રીતે કરે છે છેતરપિંડી…
લોકો પાસેથી રૂપિયા લીધા બાદ આરોપીઓએ કથિત રીતે ભંડોળનો ઉપયોગ હાઉસિંગ પ્રોજેક્ટમાં કરવાને બદલે અમુક રકમ અંગત વપરાશ માટે પોતાના બૅંક ખાતામાં તથા તેમની સાથે સંબંધિત કંપનીઓના બૅંક ખાતાંમાં ડાયવર્ટ કરીને ઠગાઇ આચરી હતી.
ઉપરાંત આરોપીઓએ એક ફ્લેટ બે જણને વેચીને બંને પાસેથી પૈસા લીધા હતા અને તેમની સાથે પણ છેતરપિંડી આચરી હતી.
આર્થિક ગુના શાખા દ્વારા આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ કેસની તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.



