મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટીવાળા રે રોડનો કેબલ બ્રિજ ત્રણ મહિનામાં શરુ થશે

મુંબઈઃ મુંબઈ શહેરમાં રેલવે અને રોડ ડેવલપમેન્ટ વિભાગનું કામકાજ પુરજોશમાં ચાલુ છે, જેમાં રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજમાં પણ ગતિ જોવા મળી છે. મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટની ક્નેક્ટિવિટીવાળા રે રોડના કેબલ બ્રિજનું કામકાજ ત્રણ મહિનામાં પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આગામી છ મહિનામાં મધ્ય રેલવેમાં આવતા ચાર આરઓબીમાંથી બેના કામકાજ પૂરા થવાની અપેક્ષા છે. અંગ્રેજોના સમયમાં નિર્માણ પામેલા આ બ્રિજને સંપૂર્ણ રીત જમીનદોસ્ત કરી દઈ તેનું પુનઃ નિર્માણ કરવામાં આવશે.
જૂન મહિના સુધીમાં રે રોડ (Reay Road cable stayed bridge) આરઓબી અને ઓક્ટોબર સુધી ભાયખલ્લા આરઓબીનું કાર્ય પૂર્ણ થઈ જશે. આ બંન્ને બ્રિજનું કામકાજ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યારે દાદર (Dadar cable stayed bridge) અને ઘાટકોપર આરઓબીનું કામકાજ પૂરું થવામાં હજુ સમય લાગશે. નવા આરઓબી બનાવાનું કામ મહારાષ્ટ્ર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટ કોર્પોરેશન (મહારેલ) દ્વારા થઈ રહ્યું છે. સુચના અનુસાર ભવિષ્યમાં ચારે આરઓબીને કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવામાં આવશે.
તમામ બ્રિજનું કામ ચાલી રહ્યું છે પણ ભાયખલ્લા અને રે રોડ બ્રિજ આવનાર કેટલાક મહિનામાં તૈયાર થઈ જશે. દાદર અને ઘાટકોપર બ્રિજ માટે માર્કેટ અને બિલ્ડિંગના અમુક અવરોધો દૂર કર્યા પછી કામ થઈ શકશે. આ તમામ બ્રિજ છ લેનના હશે તેમજ નવા આરઓબી તૈયર થઈ ગયા બાદ તેના પર ટ્રાફિક ડાયવર્ટ કરીને જૂના બ્રિજને તોડી પાડવામાં આવશે.
રે રોડ બ્રિજની વાત કરવામાં આવે તો તેના નિર્માણનું કામકાજ ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કાર્ય 70 ટકાની આસપાસ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ભાયખલ્લાનું કાર્ય પણ 45 ટકા જેટલું પૂરું થઈ ગયું છે. ભાયખલ્લા સ્થિત બ્રિજને વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર બનાવાય રહ્યો છે, જ્યારે તેની ડેડલાઈન ઓક્ટોબર 2024ની છે.
મહારેલ અનુસાર દાદર બ્રિજને બે તબક્કામાં બનાવામં આવશે. પહેલા તબક્કામાં નવા બ્રિજનું કામ પૂર્ણ કરવામં આવશે. એનાથી વર્તમાન બ્રિજ પર ટ્રાફિક પ્રભાવિત થશે નહી. બીજા તબક્કામાં બ્રિજના બીજા છેડાનું કામ કરવામાં આવશે. નવા બ્રિજમાં ફૂટપાથની વ્યવસ્થા રાખવામાં આવશે. તમામ બ્રિજોમાંથી ઘાટકોપર આરઓબીનું કામ પડકારજનક છે. કારણ કે અહીંથી હાઈસ્પીડ રેલ અન મેટ્રો લાઈન-ચાર પણ પસાર થઈ રહી છે. આ બ્રિજનું કામ પાછલા વર્ષે માર્ચમાં શરૂ થઈ ગયું હતું અને હમણાં સુધી 12 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.