મુંબઇ: મુંબઈમાં હાલમાં નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે અને આ જ અનુસંધાનમાં એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. મુંબઈના આઝાદ મેદાન ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં યોજાનારી શિવસેનાની દશેરા રેલીને કારણે રામલીલાનો કાર્યક્રમ એક દિવસ પહેલાં જ પૂરો થશે અને એને કારણે જ રાવણ દહનનો કાર્યક્રમ પણ એક દિવસ પહેલાં જ યોજાશે, એવી માહિતી સામે આવી રહી છે.
જોકે આ બાબતે સાહિત્ય કલા મંચનું કહેવું છે કે તેમનો કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ યોજાશે. પરંતુ ચર્ચા ચાલી રહી છે કે રાવણ દહન વિજયા દશમીના દિવસે નહીં પરંતુ એક દિવસ પહેલાં એટલે કે સોમવારના ૨૩મી ઓક્ટોબરની સાંજે થશે અને એને કારણે રામલીલાના આયોજકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ દાદરના શિવાજી પાર્કમાં દશેરા રેલીના આયોજનને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને આ વર્ષે શિવાજી પાર્ક પર કોણ સભા કરશે એવો સવાલ ઉપસ્થિત થયો હતો.
દરમિયાન શિંદે જૂથ દ્વારા શિવાજી પાર્ક સિવાય આઝાદ મેદાન અને ક્રોસ મેદાનને ઓપ્શનમાં રાખવામાં આવ્યા હતા. મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં દશેરા રેલી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથને આઝાદ મેદાન ખાતે દશેરાની સભા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
હવે મુખ્ય પ્રધાન શિંદે ખાતે આઝાદ મેદાનમાં દશેરાની રેલી કરવાની પરવાનગી આપવામાં આવે તો આઝાદ મેદાન ખાતે ચાલી રહેલાં રામ-લીલાના કાર્યક્રમમાં ભંગાણ પડી શકે એમ છે, કારણ કે દશેરા રેલીની તૈયારીઓ પાંચ-છ દિવસમાં શરૂ થઈ જાય છે અને આઝાદ મેદાન ખાતે બે રામલીલા ચાલી રહી છે.
આઝાદ મેદાન ખાતે મહારાષ્ટ્ર રામલીલા મંડળ અને સાહિત્ય કલા મંચ દ્વારા બે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેનાએ મંડળ અધિકારીઓને રામલીલાનો બાકીનો કાર્યક્રમ ક્રોસ મેદાનમાં યોજવાનો વિકલ્પ આપ્યો હતો. આ અંગે અધિકારીઓ મુંઝવણમાં મુકાયા હતા અને હવે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ એક દિવસ પહેલા રામલીલાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.
Taboola Feed