મુંબઈમાં આજે વરસાદનું રેડ એલર્ટ, વિક્રોલીમાં ભૂસ્ખલનથી બેના મોત…

મુંબઈ : મુંબઈમાં હવામાન વિભાગે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદના પગલે દુર્ઘટના ઘટી છે. જેમાં મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે વિક્રોલી પાર્ક સાઈટમાં ભૂસ્ખલન થયું હતું. જેના લીધે બે લોકોના મોત થયા છે જયારે બે લોકો ઘાયલ થયા છે.
આ દુર્ઘટના વિક્રોલીના પશ્ચિમમાં આવેલા વર્ષા નગર જન કલ્યાણ સોસાયટીમાં થઈ છે. આ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા કાટમાળ ઘર પર પડ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે તેમજ બે ઘાયલને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાટમાળમાં દટાયેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા
આ અંગે મળતી માહિતી મુજબ દુર્ઘટના રાત્રે 2. 30 વાગ્યેની આસપાસ બની હતી. જ્યારે ઘરમાં તમામ લોકો ઉંઘી રહય હતા. જેમાં કાટમાળમાં દટાયેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચારોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જેમાં સુરેશ મિશ્રા, ઉંમર 50 વર્ષ અને શાલુ મિશ્રા ઉંમર 19 વર્ષનું મૃત્યુ થયું છે. જ્યારે આરતી મિશ્રા ઉંમર 45 વર્ષ અને ઋતુજ મિશ્રા ઉંમર 02 વર્ષ ઘાયલ થયા છે.
વરસાદનું રેડ એલર્ટ
હાલ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના લીધે પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. જયારે હવામાન વિભાગે આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં શનિવાર ને રવિવારે ભારે વરસાદ પડશે.