મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું…

મુંબઈ: મુંબઈ શહેર સહિત પરાં વિસ્તારોમાં શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદનું જોર રવિવારે બપોર સુધી રહ્યું હતું. સોમવારે સવારે હળવાથી મધ્યમ વરસાદના ઝાંપડા આવ્યા હતા. હવામાન વિભાગ તરફથી મુંબઈ-થાણે અને આસપાસના વિસ્તારોમાં સોમવાર માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
પરંતુ પાછળથી તેને યલો અલર્ટમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સોમવારે બપોર સુુધીના ૨૪ કલાકમાં પરાંના અમુક વિસ્તારોમાં અંદાજે ૧૦૦ મિલિમીટર વરસાદ પડ્યો હતો, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેનો થોડી મોડી દોડી રહી હતી, જ્યારે બેસ્ટની બસમાં કોઇ ડાઇવર્ઝન કરવામાં આવ્યું નહોતું.
શહેરના અનેક વિસ્તારોમાં સવારે વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. ઓરેન્જ અલર્ટ હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી, પરંતુ બપોર સુધી શહેર અને પરાં વિસ્તારમાં વરસાદની સ્થિતિ સામાન્ય જણાઇ હતી.
આઇએમડીએ સોમવારે સવારે આઠ વાગ્યે કરેલી આગાહી મુજબ શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, પરંતુ એવું કંઇ જણાયું નહોતું.સોમવારે સવારે આઠ વાગ્યા સુધી ૨૪ કલાકમાં શહેરમાં ૭૪.૮૫ એમએમ, જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ પરાંમાં અનુક્રમે ૭૭.૮૯ એમએમ અને ૯૯.૪૪ એમએમ વરસાદ નોંધાયો હતો, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.
બપોરે ૩.૨૭ના હાઇટાઇડ દરમિયાન ૩.૦૧ મીટર ઊંચા મોજાં ઉછળ્યા હતા. રવિવારે શહેરના અનેક વિસ્તારોમાં ૧૦૦ મિલિમીટર વરસાદ પડ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઇ)