આમચી મુંબઈ

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી

૨૫થી ૨૮ મુંબઈ સહિત કોંકણમાં ભારે વરસાદનો અંદાજો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ આખો ઑગસ્ટ કોરો ગયા બાદ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે વરસાદે ફરી જોરદાર આગમન કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી હતી, તે મુજબ આખો દિવસ આ વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. હવામાન ખાતાએ આગામી ચારથી પાંચ દિવસ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

છેલ્લા અનેક દિવસોમાંથી વરસાદની ગેરહાજરીને કારણે તાપમાનમાં વધારો નોંધાયો હતો. ત્રણ દિવસ પહેલા જ મુંબઈમાં તાપમાનનો પારો ૩૩.૭ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો. સતત ગરમી વચ્ચે વરસાદ ફરી સક્રિય થતા મુંબઈગરાને ગરમીથી રાહત મળી હતી.

સવારથી મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત પાલઘર વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. સવારના અમુક વિસ્તારમાં વરસાદના જોરદાર ઝાપટાં પડવાને કારણે અમુક સમય માટે પાણી ભરાઈ ગયાં હોવાની ફરિયાદો નોંધાઈ હતી. બપોરના સમયે વરસાદનું જોર વધી જતાં પાણી ભરાઈ જવાને કારણે થોડા સમય માટે અંધેરી સબ-વેને બંધ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં પાણી ઓસરી જતા સબ-વે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે સવારથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના નવ કલાકમાં ૧૬.૮ મિ.મી. અને ૪૬.૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદ રહ્યો હતો. શનિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રત્નાગિરીના હરનાઈમાં ૧૧૬ મિ.મી. તો પાલઘરના દહાણુમાં ૧૪૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં પણ વરસાદનું જોર રહ્યો હતો. શનિવારે કોલાબામાં ૨૭.૫ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે રવિવાર માટેે મુંબઈ માટે યલો અલર્ટ જાહેર કર્યું હોઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. થાણે અને પાલઘર માટે જોકે રવિવારે પણ ઓરેન્જ અલર્ટ જ રહેશે. જ્યારે રાયગડ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના કહેવા મુજબ ૨૫થી ૨૮ ઑગસ્ટ સુધી મુંબઈ સહિત આખા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

લગભગ આખો જુલાઈ મહિનો વરસાદ રહ્યો હતો, તેની સરખામણીમાં ઑગસ્ટ મહિનામાં ૨૨ દિવસ લગભગ સૂકા ગયા છે. કોલાબામાં અત્યાર સુધી ૨,૦૭૫.૫ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૨,૨૫૬.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ચાર- પાંચ દિવસ વરસાદનું જોર રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓફ શોર ટ્રફ સહિત જુદા જુદા પરિબળોને કારણે મુંબઈ, થાણે સહિત રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતના કિનારેથી ઉત્તર કેરલા સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઓછા દબાણના વિસ્તારમાંથી પસાર થાય છે, તેને કારણે દિવસના તાપમાનમાં પણ ધીમો ઘટાડો થશે, જે છેલ્લા થોડા દિવસોથી ૩૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એ સિવાય ઝારખંડના ઉત્તર-પશ્ર્ચિમ સહિત તેના આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સર્જાયું હતું, જે પશ્ર્ચિમ તરફ આગળ વધીને ઉત્તર પ્રદેશના દક્ષિણ-પૂર્વ વિસ્તાર અને મધ્ય પ્રદેશના ઉત્તર-પૂર્વ લો પ્રેશરમાં ફેરવાયું છે. લો પ્રેશર હજી આગળ વધશે અને પશ્ર્ચિમ મધ્ય પ્રદેશ પર ડીપ્રેશનમાં ફેરવાશે અને ૨૬ ઑગસ્ટ સુધી રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધશે

જળાશયોમાં ૩૫૩ દિવસ જેટલું પાણી
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોના કેચમેન્ટ એરિયામાં પણ નોંધનીય વરસાદ પડ્યો છે. શનિવારે સાતેય જળાશયોમાં પાણીની કુલ સપાટી ૯૫.૨૭ ટકા સુધી પહોંચી ગઈ હતી.
સાતેય જળાશયોમાં શનિવારે સવારના છ વાગે ૧૩,૭૮,૮૩૪ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક જમા થયો હતા.

મુંબઈગરાને આ પાણી ૩૫૩ દિવસ એટલે કે આખુ વર્ષ ચાલશે એટલું થઈ ગયું છે. ગયા વર્ષ કરતા પણ આ વર્ષે જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૮૫.૦૫ ટકા એટલે કે ૧૨,૩૦,૯૮૯ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો, તેની સામે શનિવાર, ૨૪ ઑગસ્ટના જળાશયોમાં ૯૫.૨૭ ટકા એટલે કે ૧૩,૭૮,૮૩૪ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક છે. ૨૦૨૨માં આ સમયે જળાશયોમાં ૯૭.૦૬ ટકા એટલે કે ૧૪,૦૪,૮૫૫ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો. મુંબઈને આખુ વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવો હોય તો પહેલી ઑક્ટોબરના જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જરૂરી છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…