મુંબઈમાં આવતા અઠવાડિયા સુધી વરસાદ રહેશે

મંગળવાર સુધી યલો અલર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં શનિવારે પણ મધ્યમ સ્વરૂપના વરસાદના ઝાપટાં પડયા હતા. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયા વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. તેમ જ મંગળવાર સુધી યલો અલર્ટની ચેતવણી આપી છે. આ દરમ્યાન વરસાદને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તામાં સુધારો જણાયો છે.
નૈર્ઋત્યના ચોમાસાએ મુંબઈમાંથી આઠ ઓક્ટોબરના સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. છતાં મુંબઈમાં હજી પણ વરસાદના ઝાપટાં જ ચાલુ જ રહ્યા છે. મંગળવારથી મુંબઈ સહિત થાણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્વરૂપનનો વરસાદ પડી રહ્યો છે. નવરાત્રી બાદ દિવાળીમાં પણ વરસાદે હેરાન કરી મૂક્યા છે અને આવતા અઠવાડિયા સુધી વરસાદ રહેવાની શકયતા છે. મંગળવાર સુધી હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે.
શુક્રવારે મોડી રાતના અચાનક વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું અને મુંબઈના અનેક વિસ્તારોમાં અડધાથી પોણો કલાકની અંદર જ ૫૦ મિલીમીટરથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. એ બાદ શનિવારે મુંબઈ સહિત પડોશી શહેરમાં વાદળિયું વાતાવરણ રહ્યા બાદ દિવસ દરમ્યાન હળવોથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરના ડિપ્રેશન તેમ જ દક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર વિસ્તાર સર્જાયો હોવાને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. મંગળવાર સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં યલો અલર્ટ રહેશે અને આ દરમ્યાન વાવાઝોડા સાથે પવન અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે.
મુંબઈમાં ઓચિંતા આવી પડેલા વરસાદને કારણે જોકે ગરમી અને ઉકળાટમાં થોડી રાહત જણાઈ રહી છે. મુંબઈમાં ગયા અઠવાડિયામાં સરેરાશ તાપમાનનો પારો ૩૫થી ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હતો, તેમાં વરસાદને કારણે થોડો ઘટાડો નોંધાયો છે. શનિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૭ ડિગ્રી અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું.
છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણનું પ્રમાણ વધી જતા એર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો નોંધાઈ રહ્યો હતો પણ અચાનક ગયા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલા પ્રદૂષણના કણો પાણી સાથે જમીન પર આવી જતા વાતાવરણ થોડું ચોખ્ખુ થયું છે. શનિવારે સાંજે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૬૬થી ૭૦ની વચ્ચે નોંધાયો હતો.



