આમચી મુંબઈમહારાષ્ટ્ર

બ્રેક પછી ફરી વરસાદનું જોરમાત્ર પાંચ દિવસમાં માસિક સરેરાશ વરસાદ પડી ગયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને બુધવારે બાનમાં લેનારા વરસાદ એક દિવસ વિરામ લીધા બાદ શુક્રવાર સવારથી ફરી અનેક વિસ્તારમાં મુશળધાર પડ્યો હતો, તેને કારણે નોકરી-ધંધાએ નીકળેલા લોકોના જીવ ડરના મારે ફરી અધ્ધર થઈ ગયા હતા. જોકે વચ્ચે-વચ્ચે વરસાદે બ્રેક લેતા થોડી રાહત રહી હતી. આ દરમિયાન ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થયા બાદ માત્ર પાંચ દિવસમાં જ મુંબઈમાં તેનો માસિક સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

આ પણ વાંચો : JVLR Bridge ટ્રાફિક જામનું Hot Spot બન્યું: આયોજનના અભાવે વાહનચાલકો પરેશાન…

મુંબઈમાં પાંચ દિવસના સમયગાળામાં શહેરમાં ૨૩ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બરની વચ્ચે ૩૯૩ મિ.મી. વરસાદ પડ્યો છે, જે મહિનાના સરેરાશ ૩૫૯.૬ મિ.મી. વરસાદને વટાવી ગયો હતો. ૨૭ સપ્ટેમ્બરના સવાર સુધીમાં સાંતાક્રુઝમાં ૩,૦૧૬ મિ.મી. વરસાદ રેકોર્ડ થવાની સાથે મોસમનો કુલ વરસાદ ૩,૦૦૦ મિ.મી.થી આગળ પહોંચી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર કોંકણ પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, જે હવે દક્ષિણ-પશ્ર્ચિમ મધ્ય પ્રદેશ અને તેના પડોશી રાજ્ય સુધી પહોંચી ગયું છે તેને કારણે પાંચ દિવસમાં મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી ગયો છે.

આ દરમિયાન ગુરુવારે પોરા ખાધા બાદ શુક્રવારે સવારથી ફરી અનેક વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો, જેમાં દક્ષિણ મુંબઈમાં અમુક વિસ્તારોમાં સવારના ભારે વરસાદને કારણે પીક અવર્સમાં ટ્રાફિક જૅમની સમસ્યા થઈ હતી. બપોર બાદ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં વરસાદનું જોર રહ્યું હતું.

હવામાન નિષ્ણાતના કહેવા મુજબ વાવાઝોડાની ગતિવિધિએ જોર પકડ્યું છે, તેથી વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. જોકે હવે ટૂંકા સમયગાળામાં જોરદાર વરસાદ પડવાની શક્યતા ઘટી ગઈ છે. શુક્રવાર માટે યલો એલર્ટ હતું, તે મુજબ જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ રહ્યો હતો.

વરસાદની સાથે પવન ફૂંકાવાને કારણે સાંજ સુધીમાં ૧૮થી વધુ જગ્યાએ વૃક્ષ અને તેની ડાળખી તૂટી પડવાના બનાવ નોંધાયા હતા, જેમાં શહેરમાં સાત, પૂર્વ ઉપનગરમાં ચાર અને પશ્ર્ચિમ ઉપનગરમાં સાતનો સમાવેશ થાય છે. સાંજ સુધીમાં મુંબઈમાં ત્રણ ઠેકાણે ઘરની દીવાલ તૂટી પડવાના અને ચાર ઠેકાણે શોર્ટ સર્કિટના બનાવ નોંધાયા હતા.

૨૬ અને ૨૭ સપ્ટેમ્બરની વચ્ચે ૨૪ કલાકમાં શહેરમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં સાંતાક્રુઝ વેધશાળા દ્વારા ૭૩.૯ મિ.મી. અને કોલાબા વેધશાળા દ્વારા આ સમયગાળામાં ૪૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શુક્રવાર સવારના ૮ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં ૨૬.૪૩ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૨૨.૯૫ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૩.૯૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મધ્યમ વરસાદ રહેશે

હવામાન વિભાગના વર્ગીકરણ મુુજબ ૬૪.૫ મિ.મી.-૧૧૫.૫ મિ.મી. વચ્ચે નોંધાયેલ વરસાદ ભારે શ્રેણીમાં આવે છે, તો ૧૫.૬ મિ.મી.થી ૬૪.૫ મિ.મી. વચ્ચે નોંધાયેલ વરસાદ મધ્યમ શ્રેણીમાં આવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૨૮ સપ્ટેમ્બરથી એક ઑક્ટોબર સુધી ગ્રીન એલર્ટ સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા એક દાયકાનો ચોથા નંબરનો હાઈએસ્ટ વરસાદ

બુધવારથી ગુરુવાર સવારના ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં નોંધાયેલો ૧૭૦ મિ.મી. વરસાદ એ સપ્ટેમ્બર મહિનાનો છેલ્લા ચાર વર્ષમાં સૌથી હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો. તો છેલ્લા એક દાયકાનો ચોથા નંબરનો હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો. આ અગાઉ એક દિવસમાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર ૨૦૧૭માં ૩૦૩.૭ મિ.મી. રહ્યો હતો. તો બીજા નંબરે સપ્ટેમ્બર ૨૦૨૦માં ૨૮૬.૪ મિ.મી. અને સપ્ટેમ્બર, ૨૦૧૯માં ૨૪૨.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો સપ્ટેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ વરસાદ ૩૧૮.૨ મિ.મી. ૨૩, સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ નોંધયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button