આમચી મુંબઈ

કાળઝાળ ગરમીમાં રેલવે પ્રશાસન પ્રવાસીઓની વહારે, Railway Station પર કરી આ ખાસ વ્યવસ્થા

મુંબઈઃ હજી તો એપ્રિલ મહિનો શરૂ થયો નથી ત્યાં કાળઝાળ અને ચટકાં મારતી ગરમીથી રાજ્ય તેમ જ મુંબઈના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. એમાં પણ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની હાલાકીનો તો કોઈ પાર જ નથી. પરંતુ હવે રેલવે આવા પ્રવાસીઓની વહારે આવી છે અને તેમને ગરમીમાંથીરાહત અપાવવા માટેના પગલાં લેવાનું શરૂ કરી દીધું હોવાની માહિતી રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રેલવે મંત્રાલયે તમામ રેલવે સ્ટેશન પર પીવાના પાણીની કેટલી ઉપલબ્ધતા છે, શું સુવિધા છે એની તપાસ હાથ ધરી છે, એટલું જ નહીં પણ રેલવે સ્ટેશન પર પૂરતો પાણી પુરવઠો રહે એ માટે ડિવિઝન પ્રમાણે રેલવે પ્રશાસનને નિયમાવલી પણ જાહેર કરી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી, પંખા લગાવવા અને એસી રિપેયર કરાવવા જેવા વિવિધ કામો પણ સમયસર કરવા પર ભાર મૂક્યો છે.


મધ્ય રેલવેના 434 સ્ટેશન પર પીવાના પાણીવ્યવસ્થા કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 8,093 જળ નળ, 498 વોટર કૂલર અને 149 ટ્યૂબ વેલની જોગવાઈ કરવામાં આવી છે. એકલા મુંબઈ ડિવીઝનમાં 1200 પાણીના નળ, 245 વોટર કૂલર અને 10 ટ્યૂબ વેલ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે. જે મહત્ત્વના સ્થળો પર પાણીનો પૂરવઠો ઓછો થાય છે ત્યાં પાણીના ટેન્કર તહેનાત કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી આપવા માટે સંબંધિત અધકિરીઓને નિયમીત નિરીક્ષણ કરવામાં આવશે.


પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળામાં નાગરિકોને ગરમથી બચાવવા માટે શીતલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં આવતા તમામ શ્રેણીના સ્ટેશન માટે મૂળભૂત સુવિધાના ધોરણ અનુસાર વોટર કૂલર અને પીવાના પાણીની નળની ઉપલબ્ધતા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.


આ ઉપરાંત રેલવે દ્વારા પ્રવાસીઓને હીટવેવનો સામનો કઈ રીતે કરવો એના માટે પણ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ માટે મહત્ત્વના રેલવે સ્ટેશન પર એક ચેકલિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.


પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સોશિયલ મીડિયા હેન્ડલ WeMumbai પર એક અભિયન હાથ ધરવામાં આવ્યું છે. અહીં સામાન્ય નાગરિકોને પાણી બચાવો અને હીટવેવથી કઈ રીતે બચશો એની માહિતી આપતી ૩૦થી ૬૦ સેકન્ડની એક નાનકડી રીલ અપલોડ કરવાની અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button