પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી

મુંબઈ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે મુંબઈ રેલવેએ મોક ડીલ સહિત અન્ય કામગીરી કરી હતી.
મુંબઈમાં રેલવે પોલીસે રવિવારે વિવિધ રેલવે સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની તૈયારી ચકાસવા માટે એક વ્યાપક મોક ડ્રીલ હાથ ધરી હતી.
આ મોક ડ્રીલમાં વિવિધ સુરક્ષા એજન્સી, રેલવે પોલીસ અને અન્ય કટોકટી સેવાઓ સાથે મળીને મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનો પર કટોકટી સમયે ઝડપી પ્રતિભાવ કઈ રીતે મળે એનો પણ અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો: પહલગામ હુમલાનો નવો વીડિયો વાયરલ, જોઈ લો ભયાનક નજારો!
આ મોક ડ્રીલ દરમિયાન ટ્રેનમાં આગ, બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલા વખતે રેલવે પોલીસ અને અન્ય સુરક્ષા દળોની સંકલિત કાર્યવાહી જેવા વિવિધ પ્રકારના સંકટનો સામનો કરવાની કવાયત પણ હાથ ધરી હતી. ઉપરાત, ટ્રેન સેવાઓમાં કટોકટી વખતે તબીબી સેવાઓ પણ તહેનાત કરવામાં આવી હતી.
રેલવે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કવાયતથી માત્ર કટોકટીની પરિસ્થિતિમાં પ્રતિભાવ આપવાની ક્ષમતામાં વધારો જ નહીં, પરંતુ વિવિધ વિભાગો વચ્ચે વધુ સારા સંકલન અને સંદેશાવ્યવહારની ખાતરી પણ થઈ છે.
આ પણ વાંચો: પહલગામ હુમલા મુદ્દે કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી હાઈ કમાન્ડમાં નારાજગી, ‘પાર્ટી લાઈન’થી અલગ ટિપ્પણી નહીં કરવાની તાકીદ…
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય રેલવે નેટવર્કમાં સુરક્ષા વધારવાઓ અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ભવિષ્યમાં આવી કવાયત વધુ વ્યાપક ધોરણે હાથ ધરવામાં આવશે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી શકાય.
મુંબઈમાં રેલવે સલામતી અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આવા મોક ડ્રીલ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મોક ડ્રિલ વિવિધ સુરક્ષા એજન્સી કટોકટીની પરિસ્થિતિઓમાં કેટલી ઝડપથી કામ કરે છે તે પણ દર્શાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.