‘आवाज़ की दुनिया के दोस्तों’ અમીન સયાનીએ દુનિયાને કરી અલવિદા
મુંબઇઃ પોતાના જાદુઇ અવાજથી અને લાક્ષણિક શૈલીથી લોકોને ઘેલુ લગાડનાર પ્રખ્યાત રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમીન સાયનીના પુત્ર રાજિલ સાયનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમીન સાયનીને હાઈ બ્લડ પ્રેશર અને ઉંમર સંબંધિત અન્ય બીમારીઓ હતી અને તેઓ છેલ્લા 12 વર્ષથી કમરના દુખાવાની ફરિયાદ પણ કરતા હતા અને તેથી જ તેમને ચાલવા માટે વૉકરનો ઉપયોગ કરવો પડતો હતો.
અમીન સાયનીએ પોતાના પ્રભાવશાળી અવાજ અને કાર્યક્રમોની રજૂઆતથી માત્ર દેશવિદેશમાં પણ ખ્યાતિ મેળવી હતી. તેમનો પ્રખ્યાત કાર્યક્રમ બિનાકા ગીતમાલા રેડિયો સિલોન પર પ્રસારિત થયો હતો. અમીન સયાનીએ 1951માં રેડિયો કરિયરની શરૂઆત કરી હતી.
અમીન સયાની તેમના નામે 54,000 થી વધુ રેડિયો પ્રોગ્રામ પ્રોડ્યુસ કરવાનો/વોઈસઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે. લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તેમણે ભૂત બંગલા, તીન દેવિયાં, કત્લ જેવી ફિલ્મોમાં એનાઉન્સર તરીકે પણ કામ કર્યું હતું.
અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે દક્ષિણ મુંબઈમાં થશે.