બજેટઃ મહારાષ્ટ્રને મળશે બે હાઈ સ્પીડ રેલ કોરિડોર, ફડણવીસે શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને દેશમાં સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે, જેમાં મહારાષ્ટ્રના બે શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ અને પુણે સહિત હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, વારાણસી સહિત સિલિગુડીનો સમાવેશ થાય છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રને શું મળ્યું હોવા અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાઈ સ્પીડ કોરિડોરમાં બે મહાનગરોને સમાવી લેવામાં આવ્યા છે, ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની વાત કરી છે.
બીજી મહત્ત્વની વાત કરીએ તો હાલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આ જ હાઈ સ્પીડ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ-પુણે શહેરને સમાવી લેવામાં આવ્યા છે, જેનાથી શું ફાયદો થશે અને સરકારનું શું વિઝન છે એની વાત કરીએ.
આપણ વાચો: નિર્મલા સીતારમણનો નવો કીર્તિમાન: સતત 9 બજેટ સાથે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો’
રોડ અને પારંપારિક રેલ નેટવર્કને ઘટાડવાનો ઉદ્દેશ
કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતા નાણા પ્રધાને કહ્યું હતું કે આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રોને જોડવા માટે હાઈ સ્પીડ કોરિડોરનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે તેનો મુખ્ય ઉદ્દેશ મહાનગરોના ઔદ્યોગિક અને ધાર્મિક શહેરોને કનેક્ટ કરવામાં આવશે. બજેટમાં તેને અલગથી વિકસિત કરવાની વાત કરી છે, જોકે, રોડ અને પારંપારિક રેલ નેટવર્ક પરના ભારણને ઘટાડવાનો ઉદ્દેશ છે.
પહેલા ફાઈનાન્શિયલ કેપિટલની પસંદગી
હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, વારાણસી અને સિલિગુડીનો સમાવેશ કર્યો છે. મુંબઈગરા માટે મહત્ત્વની વાત એ છે કે બુલેટ ટ્રેનના કોરિડોરમાં પુણેને જોડવામાં આવશે. હાલમાં મુંબઈમાં પણ બુલેટ ટ્રેન સ્ટેશનથી લઈને અન્ય કામગીરી પણ ચાલુ છે.
હાઈ સ્પીડ રેલ કોરિડોર મારફત ફાઈનાન્શિયલ સેન્ટર, આઈટી સેન્ટર અને મેન્યુફેકચરિંગ ક્લસ્ટરને જોડવામાં આવશે. મહારાષ્ટ્રના ટવિન સિટી મુંબઈ અને પુણે છે, તેમાંય વળી મુંબઈ ફાઈનાન્શિયલ કેપિટલ છે, જ્યાં આરબીઆઈ, સેબી, બીએસઈ, એનએસઈ સહિત અન્ય સંસ્થા પણ જોડાયેલી છે. ઉપરાંત, રિલાયન્સ, ટાટા, અદાણી સહિત દિગ્ગજ કંપનીના ઓપરેશન્સ પણ અહીંથી ચાલે છે.
આપણ વાચો: બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી
મુંબઈની સાથે સાથે પુણેનો પણ ઉદ્ધાર
મુંબઈ પછી મહારાષ્ટ્રમાં પુણે બીજા નંબરના ગ્રોથ સિટી છે. સરકારે મેન્યુફેકચરિંગ પર ફોક્સ કર્યું છે. પુણે પણ મેન્યુફેકચરિંગ હબ છે, જ્યાં ટાટા મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્ર સહિત અન્ય કંપનીઓ કામ કરે છે.
ઓટો, એન્જિનિયરિંગ અને એમએસએમઈ સેક્ટરમાં પણ લાખો નોકરીઓ મળે છે. હિંજવાડીમાં આઈટી પાર્ક, મગરપાડા, ખડકી-તળેગાંવ બેલ્ટમાં પણ મોટા આઈટી સેક્ટરનો સમાવેશ થાય છે. સાત કોરિડોરમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નઈ, દિલ્હી-વારાણસી, વારાણસી-સિલિગુડી, ચેન્નઈ-બેંગલુરુનો સમાવેશ થાય છે.
આપણ વાચો: Budget 2026: નિર્મલા સીતારમણ તોડશે 75 વર્ષની પરંપરા? પ્રથમ વખત પાર્ટ બી હશે ખાસ…
રફતાર અને કનેક્ટિવિટીથી બદલાશે મુસાફરી
નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાઈ સ્પીડ રેલ કોરિડોરથી ફાયદો થાય છે, જેમાં બે શહેર વચ્ચેના ટ્રાવેલ ટાઈમમાં પણ ઘટાડો થાય છે એની સાથે નાના નાના શહેરો મહાનગર સાથે જોડવામાં આવે છે, જેનાથી નવી રોજગારી અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રોત્સાહન મળે છે.
હાઈ સ્પીડ રેલ કોરિડોરનો બીજો ઉદ્દેશ ફક્ત હાઈ સ્પીડ ટ્રેન ટ્રાવેલનો નથી, પરંતુ મહાનગરોની ડાયરેક્ટ કનેક્ટિવિટીનો પણ છે, જેમાં ખાસ કરીને દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી જેવા રુટ્સ ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેન્દ્રીય બજેટ 2026-27માં વિકસિત ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. ફડણવીસે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે બજેટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન, રોકાણ અને રોજગારીની તકો ઊભી કરવા સંબંધિત યોજના પર ફોક્સ કરવામાં આવ્યું છે.
ફડણવીસે કહ્યું કે મુંબઈ-પુણે, પુણે હૈદરાબાદ હાઈ સ્પીડ કોરિડોરથી જીડીપીમાં વધારો થશે. તમામ વિકાસ કેન્દ્રો માટે પાંચ વર્ષમાં રૂ. ૫,૦૦૦ કરોડના યોગદાનથી મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ, પુણે અને નાગપુરને નોંધપાત્ર ફાયદો થશે.



