મુંબઈ-પુણે મુસાફરીનું અંતર 30 મિનિટ ઘટશે…
મુંબઈ-પુણે એક્સપ્રેસવેના મિસિંગ લિંકના કાર્યનું નિરીક્ષણ: પ્રોજેક્ટનું 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર સુધીમાં ખૂલ્લો મૂકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી-કુસગાંવ વચ્ચે 19.80 કિમી નવી લેન, એટલે કે મિસિંગ લિંક પર અત્યારે કામ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
એમએસઆરડીસી દ્વારા એવી જાણ કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટનું 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આ લેનને ડિસેમ્બર સુધીમાં સેવામાં મૂકવાની યોજના છે. ડિસેમ્બરથી મુંબઈ-પુણે મુસાફરીનો સમય 30 મિનિટ ઓછો થઈ જશે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વાહનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને આ હાઇવે હવે અપૂરતો બની રહ્યો છે. અકસ્માતોનો ભય પણ છે. તેથી, હાઇવેમાં સુધારો કરવા માટે, એમએસઆરડીસીએ ખોપોલીથી કુસગાંવ સુધી 19.80 કિમીનો નવી લેન બનાવવાનું નક્કી કર્યું, એટલે કે મિસિંગ લિંક.

આ પ્રોજેક્ટ પર 2019થી બે તબક્કામાં કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં બે ટનલનો પણ સમાવેશ થાય છે. તેમાંથી એક 1.75 કિમી લાંબી છે અને બીજી 8.92 કિમી લાંબી છે. 8.92 કિમી લાંબી ટનલ એશિયામાં પર્વત અને તળાવની નીચેથી પસાર થતી સૌથી પહોળી ટનલ છે.
આ ટનલ લોનાવાલા તળાવની લગભગ 500થી 600 ફૂટ નીચેથી જશે. ટનલની પહોળાઈ 23.75 મીટર છે. આ ટનલ પર કામ વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. મુસાફરો અને વાહનોની સલામતી માટે કાળજીપૂર્વક વિચારણા કરીને આ ટનલ બનાવવામાં આવી રહી છે. કટોકટીની સ્થિતિમાં, દર 300 મીટરે બહાર નીકળવાના માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. ટનલની દિવાલને પાંચ-મીટર કવરથી ઢાંકવામાં આવશે અને તેના પર આગ-પ્રતિરોધક કોટિંગ લગાવવામાં આવશે.
આગ બુઝાવવા માટે એક અત્યાધુનિક સિસ્ટમ હશે. આ ટનલ, નવો કોરિડોર, ઘણા કારણોસર અનોખાં હશે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કહીને, મુખ્ય પ્રધાને પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. કેમ કે, પ્રોજેક્ટનું કામ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે.આ કોરિડોર ખીણોમાંથી પસાર થાય છે અને જ્યારે પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો હોય ત્યારે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આવી સ્થિતિમાં પ્રોજેક્ટનું કામ યોગ્ય રીતે ચાલી રહ્યું છે.