મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર મહાજામ: ગેસ ટેન્કર પલટી જતાં ટ્રાફિક જામમાં અટવાઈ એમ્બ્યુલન્સ, ફ્લાઈટ્સ ચૂકી ગયા…

મુંબઈઃ મુંબઈ અને પુણે જેવા મહત્ત્વના શહેરોને જોડતા મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આડોશી ટનલ પાસે ગેસ ટેન્કર ઊંધુ વળી જતાં ગેસ લીક થતાં મુંબઈથી પુણે વચ્ચે પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી 20 કિલોમીટરથી લાંબા ટ્રાફિક જામમાં ફસાવવાને કારણે કેટલાય લોકો ફ્લાઈટ ચૂકી ગયા છે, કેટલાય દર્દીઓ અટવાઈ એક્સપ્રેસ વે પર ફસાઈ ગયા છે. છેલ્લા 16 કલાકથી હજારો વાહનો આ હાઈવે પર અટવાતા સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ગેસ ટેન્કર પલટી જતાં 20 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે પર પ્રોપોલિન ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં અને ગેસ ગળતીને કારણે સર્જાયેલી કટોકટીએ વહીવટીતંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. આ ટ્રાફિક જામને ક્લિયર કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગિરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે રાતે આડોશી ટનલ પાસે પ્રોપોલિન ગેસ લઈને જતું એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ગેસ લીકેજને કારણે વિસ્ફોટનો મોટો ખતરો હોવાથી વહીવટીતંત્રએ સુરક્ષાના કારણોસર એક્સપ્રેસ-વે અને જૂના પુણે-મુંબઈ હાઈવે એમ બંને માર્ગો પરની ટ્રાફિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યો હતો.
16 કલાકથી અટવાયા 22 કિમી લાંબો ટ્રાફિક જામ
છેલ્લા 16 કલાકથી ટ્રાફિક ઠપ હોવાને કારણે રસ્તા પર 20થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ છે. મધરાતે ક્રેનની મદદથી ટેન્કરને ત્રીજી લેનમાં ખસેડવામાં આવ્યું હતું અને મુંબઈ તરફ જતી એક લેન શરૂ કરાઈ હતી, પરંતુ વાહનોની એટલી લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે કે રસ્તો ક્લિયર થવામાં હજુ ઘણો સમય લાગે તેમ છે.
કલાકોથી જામમાં ફસાયેલા દર્દીઓ, ફ્લાઈટ ચૂકી ગયા…
આ ટ્રાફિક જામમાં અનેક એમ્બ્યુલન્સો ફસાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કેટલાક કેન્સરના ગંભીર દર્દીઓ પણ આ જામમાં કલાકોથી અટવાયેલા છે. વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચવા નીકળેલા સેંકડો મુસાફરો તેમની ફ્લાઈટ્સ ચૂકી ગઈ છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પાસે ખાવા-પીવાની કોઈ સુવિધા નથી. હાઈવે પર કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનચાલકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેઓ મોટો ટોલ ટેક્સ ચૂકવે છે, છતાં આવી કટોકટીના સમયે વહીવટીતંત્ર માહિતી આપવામાં કે મદદ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. હાલમાં ‘બ્લોક પદ્ધતિ’થી થોડો થોડો ટ્રાફિક જામ ક્લિયર કરવામાં આવી રહ્યો છે, પરંતુ સંપૂર્ણ રસ્તો ક્યારે ખુલશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.



