આમચી મુંબઈ

મુંબઈમાં પાણી ભરાવા માટે પમ્પિંગ સ્ટેશનના કૉન્ટ્રેક્ટરો જવાબદાર

ચાર કૉન્ટ્રેક્ટરને ૧૦-૧૦ લાખનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં સોમવારે થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થતા મુંબઈ મહાનગરપાલિકાની ચોતરફથી ટીકા થયા બાદ છેવટે મિની પમ્પિંગ સ્ટેશન સક્રિય કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચાર કૉન્ટ્રેક્ટરોને દસ-દસ એમ કુલ ૪૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં પણ વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા પણ ૪૮૨થી ઘટાડીને ૪૧૭ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની છે. પંપની સંખ્યા ઘટાડવા સામે અનેક વોર્ડમાંથી ફરિયાદો આવ્યા બાદ પાલિકા પ્રશાસન બુધવારે મહત્ત્વની બેઠક યોજીને સોમવારના ફિયાસ્કા બદલ સમીક્ષા કરવાની છે.

મુંબઈમાં નિર્ધારીત સમય કરતા ૧૬ દિવસ વહેલા આવી પહોંચેલા ચોમાસાના પહેલા વરસાદમાં જ પાલિકાના તમામ દાવો પોકળ સાબિત થયા હતા. સોમવારે માત્ર ૧૩ કલાકમાં ૨૫૦ મિલીમીટર (૧૦ ઈંચ) જેટલો વરસાદ પડયો હતો તેને કારણે દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાઈ જતા વાહનવ્યહારની સાથે જ રેલવે સેવા પણ ઠપ થઈ ગઈ હતી. સોમવારના મુખ્યત્વે મસ્જિદ બંદર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનો પરિસર, ક્રાફર્ડ માર્કેટ, હિંદમાતા, ગાંધી માર્કેટ, ચર્ચગેટ, ફ્લોરા ફાઉન્ટન, ચર્ચગેટ જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય નહીં તે માટે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાલિકાએ દસ મિની પમ્પિગ સ્ટેશન ઊભા કર્યા છે. આ સ્ટેશનનું સંચાલન કૉન્ટ્રેક્ટર મારફત કરવામાં આવે છે. તે માટે ટેન્ડરમાં રહેલી શરત અને નિયમ મુજબ તેમણે ૨૫ મે, ૨૦૨૫ પહેલા સંપૂર્ણ યંત્રણા ચાલુ કરવાની હતી.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રોઃ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પ્રશાસને શું પગલાં લીધાં?

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પરેલ-હિંદમાતામાં એપ્રિલમાં વરસાદી પાણીનો નિકાલ માટે પમ્પ બેસાડવા માટે એક નવો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં કૉન્ટ્રેક્ટરને ૨૫ મે, ૨૦૨૫ સુધીના ગ્રેસ પિરીયડમાં પમ્પ સક્રિય કરવાનો હતો પણ તે ૨૬ મેના વરસાદ પડી ગયો હિંદમાતામાં પમ્પ નહીં હોવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. કિંગ સર્કલમાં પણ ભારે વરસાદ દરમ્યાન છમાંથી ફકત ચાર પમ્પ જ કાર્યરત હતા, તેને કારણે પાણી ભરાઈ ગયા હતા. મિની પમ્પિંગ સ્ટેશન કાર્યરત નહીં હોવાને કારણે ચુનાભટ્ટી અને યલો ગેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મધ્ય રેલવેમાં મસ્જિદ બંદર સ્ટેશને પાટા પાણી ભરાઈ જતા લગભગ દોઢ કલાક માટે રેલવે ઠપ થઈ ગઈ હતી તો હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી ખાતે પમ્પ બેસાડયો ન હોવાને કારણે ચુનાભટ્ટી સ્ટેશન પાણી ભરાઈ જતા રેલવે સેવાને ફટકો પડયો હતો. તેથી ટેન્ડરની શરત મુજબ દરેક મિની પમ્પિંગ સ્ટેશન માટે ૧૦ લાખ રૂપિયાનો દંડ કૉન્ટ્રેક્ટરને ફટકારવાાં આવ્યો છે.

આજે સમીક્ષા બેઠક

સોમવારના પહેલા ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ અનેક વોર્ડ ઓફિસમાંથી તેમના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પમ્પની સંખ્યા વધારવાની માગણી કરવામાં આવી છે. પાલિકાએ બુધવાર સમીક્ષા બેઠકનું આયોજન કયું છે, જેમાં મોસમના પહેલા ભારે વરસાદ દરમ્યાન સર્જાયેલી પૂરપરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં રહી ગયેલી ત્રુટીઓનું મૂલ્યાંકન કરીને પમ્પની સંખ્યા વધારવાની જરૂર છે કે તેના પર નિર્ણય લેવામાં આવશે. પાલિકાએ ૧૫ વેહિકલ માઉન્ટેટ ડીવોટરિંગ પમ્પનો પણ ઓર્ડર આપ્યો છે. આમાંથી શહેરના સાત ઝોનમાં તહેનાત કરવામાં આવશે, જ્યારે બાકીના ભારે વરસાદ દરમ્યાન જરૂરિયાત મુજબ પૂરગ્રસ્ત વિસ્તારમાં તહેનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…

પાણી ભરાવાના નવા ક્રોનિક પોઈન્ટ

મુંબઈમાં સોમવારના ભારે વરસાદ દરમ્યાન અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ફલોરા ફાઉન્ટન, મંત્રાલય, ચર્ચગેટ, મેટ્રો સિનેમા જંકશન, જે.જે. ફ્લાયઓવરની નીચેની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક અંદાજ મુજબ નવા ક્રોનિક પોઈન્ટ નવા મેટ્રો સ્ટેશનની પાસે આવેલા છે. અગાઉ એવું જણાઈ આવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં મેટ્રોના કામ માટે તેઓએ જમીનની નીચે રહેલી સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈનને બંધ કરી દીધી હતી અને તેને કારણે વરસાદી પાણીનો નિકાલ થવામાં અડચણ આવવાની શકયતા હતી. તેથી તે પાઈપલાઈનને ડાઈવર્ટ કરવામાં આવી હતી. તેથી તેનું પુનરાવર્તન તો તેઓએ કર્યું નથી તે તપાસવામાં આવશે, કારણે નવા ક્રોનિક પોઈન્ટ જે છે ત્યાં મેટ્રો આવેલી છે. તેથી હવે ચોમાસાના ચાર મહિના તમામ ક્રોનિક પોઈન્ટ પર પમ્પ તહેનાત રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button