આમચી મુંબઈ

પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની જપ્ત કરેલી મિલકતની લિલામી મોકુફ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની મિલકતની લિલામી મુલતવી રાખવામાં આવી છે. સાત ડિફોલ્ટરોના કુલ૬૩ કરોડ રૂપિયાથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી હતો, તેમને ગયા અઠવાડિયે અંતિમ નોટિસ મોકલવામાં આવી હતી પણ તેઓ રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા.

આગામી મહિનાની ૧૫ તારીખે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. હાલ પાલિકાના ૪૦ ટકાથી વધુ એટલે કે લગભગ ૭૫,૦૦૦ કર્મચારીઓને મતદાનને લગતી ફરજો માટે તહેનાત કરવામાં આવ્યા છે. તેથી નાછૂટકો પાલિકા પ્રશાસનને પ્રોપર્ટી ટેક્સની વસૂલાતના અભિયાનને સ્થગિત કરવું પડયું છે.

પાલિકાની ઓક્શન (લિલામી) કરવાની બીજી યાદીમાં ઓઈલ મિલ, ગોડાઉન, હોટલ અને જમીનના પ્લોટ જેવા કમર્શિયલ અને વ્યક્તિગત હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે, જેમાં મૂળ બાકી રકમ ૩૦ કરોડ રૂપિયા છે. તો દંડ અને વ્યાજ સાથે મળીને કુલ રકમ ૬૩ કરોડ રૂપિયા થાય છે. ડિફોલ્ટરોની જપ્ત કરેલી મિલકતની લિલામી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ ૧૮૮૮ની કલમ ૨૦૦ (૨) હેઠળ કરવામાં આવી રહ્યું છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એક મહિનાથી વધુ સમયથી ચૂંટણીના કામમાં રોકાયેલા છે. મતદાન પૂર્ણ થાય નહીં ત્યાં સુધી જપ્ત કરેલી મિલકતની લિલામી કરી શકાશે નહીં. તેથી ડિફોલ્ટરોને કામચલાઉ રાહત મળી છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં 23 સ્થાનિક સંસ્થાઓમાં મતદાન પૂર્ણ; બપોર સુધીમાં 47.04 ટકા મતદાન: sunday બંને તબક્કાના મતદાનની સંયુક્ત મતગણતરી…

પાલિકાએ બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે જે સાત પ્રોપર્ટી મૂકી છે, તેમાં મઝગાંવ ખાતે ગોડાઉન અને ઓફિસ સાથે ઓઈલ મિલ ( રૂ.૧.૪૧ કરોડ), પરેલ ખાતે જમીન (૮૯ લાખ), વરલીમાં સીજે હાઉસ (૧.૬૮ કરોડ), ટર્નર રોડ-બાન્દ્રા પશ્ર્ચિમ ખાતે દુકાન અને ઓફિસ (૧૮.૮૮ કરોડ), મલાડ પૂર્વમાં કમર્શિયલ પ્રોપર્ટી (૩.૨૩ કરોડ), ગોરેગામ પૂર્વમાં હોટલ ઈમ્પિરિયલ પેલેસ (૩૪.૫૫ કરોડ) અને દહિસર પૂર્વમાં રહેણાંક જમીન (૨.૪૧ કરોડ )નો સમાવેશ થાય છે.

પ્રોપર્ટી ટેક્સ પાલિકાની આવકનો મુખ્ય સ્રોત ગણાય છે. છેલ્લા બે વર્ષમાં પાલિકાએ મોટા ડિફોલ્ટરો સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, જેને કારણે ૨૦૨૪-૨૫માં ૬,૩૮૮ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક કલેકશન થયું છે, જે ૬,૨૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને વટાવી ગયું હતું. તેમ જ ૨૦૧૦ની સાલ પછીનું સૌથી મોટુ કલેકશન છે, છતાં ૨૦૧૦થી બાકી રહેલા લેણા ૧૫ વર્ષના દંડ સહિત ૨૨,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પાલિકાએ લગભગ ૭,૭૦૦ કરોડ રૂપિયાનો કર વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે પહેલા નવ મહિનામાં લગભગ ૪,૦૦૦ કરોડ રૂપિયાનો વસૂલ કરી લીધો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button