રસ્તાઓની જાળવણી મુદ્દે હાઈ કોર્ટે તમામ સરકારી સંસ્થાઓની કાઢી ઝાટકણી: જાણો કેમ?
મુંબઇ: મુંબઇગરાને સારા અને ખાડામુક્ત રસ્તા મળે તેની સુવિધા માટે રસ્તાના સમારકામ અને સંભાળ કરવા બાબતે હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો. તેમ છતાં મુંબઇ મહાનગરપાલિકા, મંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ), અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ (યુડીડી) અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી) દ્વારા હાઇ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવી નથી રહ્યું. અથવા તો અંશત: કરવામાં આવતું હોવાની નોંધ ધરાવનાર તુલનાત્મક અહેવાલને હાઇ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલ મુદ્દે કોર્ટે સરકારી સંસ્થાઓની બેદરકારીની નોંધ લીધી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટરની બેન્ચે આ અહેવાલની દખલ લઇને પ્રતિવાદીને આ અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાલયના આ આદેશનો મુંબઇ સહિત અન્ય મહાપાલિકા, એમએમઆરડીએ, યુડીડી અને પીડબ્લ્યુડીએ કેટલું પાલન કર્યું છે તેનો તુલનાત્મક અહેવાલ રજૂ કરવાનો આદેશ ખંડપીઠે નવેમ્બરમાં આપ્યો હતો. ઉપરાંત મુંબઇના રસ્તા વિવિધ એજન્સીની હેઠળ આવતાં હોવાથી રસ્તાની ખરાબ હાલતની સમસ્યા કાયમી હોવાની ટીકા પણ ન્યાયાલયે કરી હતી. ઉપરાંત રસ્તા અંગે આવેલ નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે સિંગલ વિન્ડો ઉપલબ્ધ કરાવવાની સૂચના પણ કરી હતી. આ અંગે સોમવારે થયેલી સુનવણીમાં વકીલ રુજુ ઠક્કરે કોર્ટ સામે આ તુલનાત્મક અહેવાલ રજૂ કર્યો હતો. આ બાબતે પાલિકાએ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી અથવા તો અંશત: પાલન કર્યુ હોવાનું આ અહેવાલમાં જણાવાયું હતું.