સલામ મુંબઈ પોલીસઃ ટ્રેકિંગ માટે નીકળેલી મહિલાને પોલીસે બચાવી, વીડિયો વાઈરલ
રાયગઢ: ટ્રેકિંગ પર જવાનું દરેક લોકો માટે શક્ય બનતું નથી, કારણ ક્યારેક શરીર સાથ આપતું નથી તો ક્યારેક ઉંમર, પણ ટ્રેકિંગની બાબત એ એક રોમાંચથી કમ નથી. તાજેતરમાં રાયગઢ જિલ્લાના કરનાલા ફોર્ટ ખાતે ટ્રેકિંગ માટે નીકળેલી એક મહિલા ટ્રેકરને ટ્રેકિંગ વખતે ભયંકર જોખમનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ફસાયા પછી તે ગંભીર રીતે જખમી થઇ હતી. આ બાબતની પોલીસને જાણ કર્યા પછી તેને સત્વરે બચાવી લેવામાં મુંબઈ પોલીસને સફળતા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે, જખમી થયેલી આ મહિલાની વહારે આવીને મુંબઈ પોલીસની ક્વીક રિસ્પોન્સ ટીમે આ મહિલાને સલામત રીતે ઉગારી લીધી હતી. મુંબઈ પોલીસે આ વિશેનો એક વીડિયો પણ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો, જેમાં તે કરનાલા ફોર્ટના જંગલોમાંથી જખમી મહિલાને ઉગારીને લઇ જતા નજરે ચઢે છે.
આ વિશે વધારે માહિતી આપતા મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ક્વિક રિસ્પોન્સ ટીમના નવા ભરતી થયેલા જવાનો કરનાલા ફોર્ટ ખાતે ટ્રેનિંગથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને એક જખમી મહિલા દેખાઇ હતી જેનો પગ ફ્રેક્ચર થયેલો હતો. અન્ય કોઇ વિકલ્પ ન હોઇ ક્વીક રિસ્પોન્સ ટીમે પોતાના ટ્રેક-સ્યુટ્સ વડે હંગામી સ્ટ્રેચર બનાવ્યું હતું અને તે મહિલાને બે જ કલાકમાં બેઝ કેમ્પ પહોંચાડી હતી.
ત્યાર બાદ તેની વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ક્વીક રિસ્પોન્સ ટીમના કારણે જખમી ટ્રેકર સલામત રૂપે હોસ્પિટલ પહોંચી શકી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો મુંબઇ પોલીસની ક્વીક રિસ્પોન્સ ટીમની આ કામગીરીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.