‘મોદીનું વિમાન ફૂંકી મરાશે’: ધમકીનો કૉલ કરનારાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું પણ…

મુંબઈ: મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને મંગળવારે બપોરે એક વ્યક્તિએ કૉલ કરીને ચેતવણી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિમાન પર આતંકવાદી હુમલો કરી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે મોબાઇલ ફોનથી કરવામાં આવેલા ધમકીભર્યા કૉલ અંગેની માહિતી અન્ય કેન્દ્રીય તથા રાજ્યની સુરક્ષા એજન્સી સાથે શૅર કરવામાં આવી હતી.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
પોલીસે બાદમાં એ વ્યક્તિને ચેમ્બુર વિસ્તારમાંથી પકડી પાડી હતી, જેણે કંટ્રોલ રૂમને કૉલ કર્યા બાદ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે એ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કૉલરે હિન્દીમાં ચેતવણી આપી હતી કે ‘મોદી અમેરિકા જઇ રહ્યા છે. તેમના વિમાન પર અમેરિકન આતંકવાદી બોમ્બથી હુમલો કરશે. અમારી ચેતવણી યાદ રાખજો. આ એ જ આતંકવાદી છે જેણે ગયા મહિનામાં છે વિમાનો ક્રેશ કર્યા છે. આ એ જ છે જે મોદીના વિમાન પર બોમ્બથી હુમલો કરશે.
Also read : ભારત અને ફ્રાંસ વચ્ચે સબંધો ગાઢ બનશે, ફ્રાંસ ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદી કરશે…
પોલીસે જ્યારે કૉલરના મોબાઇલ નંબરની વિગતો મેળવી ત્યારે તેમને ખબર પડી કે ભૂતકાળમાં આવા 1,400 ખોટા કૉલ્સ કંટ્રોલ રૂમને કરવા માટે આ નંબરનો ઉપયોગ થયો હતો. દરમિયાન કંટ્રોલ રૂમના સ્ટાફે તેમના અધિકારી તથા સિનિયર પોલીસ ઓફિસરોને આની જાણ કરી હતી. પોલીસે બાદમાં મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) અને ક્રાઇમ બ્રાન્ચ સાથે માહિતી શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2024માં મુંબઈ પોલીસને મહિલાએ કૉલ કરીને દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી પર હુમલો કરવામાં આવશે. જોકે હુમલાની વાત બાદમાં અફવા નીકળી હતી.