આરોપીને લઇને સૈફના ઘરે પહોંચી પોલીસ, સીન રીક્રિએટ કર્યો

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર પર થયેલા હુમલાને લગતું નવું અપડેટ સામે આવ્યું છે. સૈફ પર હુમલો કરનારો આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ પકડાઈ ગયો છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસ આરોપીને લઈને સૈફના ઘરે પહોંચી હતી અને ઘટનાની રાતે શું બન્યું તે દ્રશ્ય રીક્રિએટ કરવામાં આવ્યું હતું. એક કલાક સુધી બધી માહિતી ભેગી કર્યા બાદ મુંબઈ પોલીસ આરોપીને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી.
16 જાન્યુઆરીની મોડી રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં આરોપી ઘુસ્યો હતો અને તેણે સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. સૈફ ઇજાગ્રસ્ત છે અને હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોને કહેવું છે કે સૈફ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. સૈફ પરના હુમલાથી સમગ્ર બોલીવુડ ચોકી ગયું છે. દરેક જણે સૈફ-કરીનાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. થાણેથી હુમલાખોરની ધરપકડ કરી હતી.
આરોપી શરીફુલ સૈફના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો તે વિશે પણ જાણવા મળ્યું છે. ઘટનાની રાતે આરોપી સૈફની બિલ્ડિંગના સાતમા માળા સુધી સીડીઓ દ્વારા ગયો હતો. ત્યારબાદ આરોપી ડક્ત એરિયામાં ગયો અને પાઇપની મદદથી બારમાં માળે પહોંચ્યો હતો. તે સેફ અને કરીનાના નાના પુત્ર જેહના રૂમના બાથરૂમમાં ઘસ્યો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે જેહની આયાએ તેને જોયો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપીએ આયા પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આયાની બૂમો સાંભળીને સૈફ દોડીને રૂમમાં આવ્યો હતો અને તેનો આરોપી સાથે સામનો થયો હતો.
આ પણ વાંચો…બચ્ચન પરિવારમાં વિવાદ વચ્ચે Amitabh Bachchanએ ભર્યું મોટું પગલું, હવે…
શરીફુલ ભારતીય ઓળખકાર્ડ મેળવવા માંગતો હતો એ માટે તેણે ચોરી કરીને પૈસા કમાવાનો રસ્તો અપનાવ્યો હતો. તેને ડાન્સબારમાં પણ કામ કર્યું હતું અને હોટલમાં પણ કામ કર્યું હતું. તે બને એટલા વધુ પૈસા કમાઈને બાંગ્લાદેશ પાછો જવા વિચારતો હતો, તેથી જ તેણે બાન્દ્રા જેવા પોશ વિસ્તારને નિશાન બનાવ્યો હતો. જોકે, તેને એ વાતની ખબર ન હતી કે તે કોઈ સેલિબ્રિટીના ઘરમાં ચોરી માટે ઘુસ્યો છે.