આમચી મુંબઈ

સાયબર છેતરપિંડી ‘હેલ્પલાઇન’: ફરિયાદનો આંકડો એક લાખને પાર, ફરિયાદીઓના કેટલા રુપિયા બચ્યા?

મુંબઈ: સાયબર ક્રાઇમ અંગે ફરિયાદ કરવા માટે મુંબઈ પોલીસની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. આ હેલ્પલાઇન નંબર પર આ અઠવાડિયા સુધીમાં એક લાખથી વધુ ફરિયાદ આવી હતી તથા તેના કારણે જ પોલીસને પીડિતોના ૨૪૧ કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ હેલ્પલાઇનનો ઉપયોગ મુંબઈ પોલીસની સાયબર વિંગ દ્વારા ૧૭મી મે ૨૦૨૨થી કરવામાં આવી રહ્યો છે. પહેલા છ લાઇનથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી અને હવે બાવીસ લાઇન સુધી વધારો થયો છે. નાગરિકો ઓનલાઇન છેતરપિંડીના શિકાર ન બને તે માટે કોન્સ્ટેબલ અને અધિકારીઓ ખડેપગે રહીને 24 કલાક કાર્યરત રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

સાયબર ક્રાઇમ દ્વારા આર્થિક છેતરપિંડીના કેસ છેલ્લાં કેટલાક વર્ષમાં ઘણા વધ્યા છે. આધુનિક ટેક્નોલોજી અને યંત્રણાનો ઉપયોગ છેતરપિંડી માટે કરનારાઓ સામે પોલીસ સતત લડી રહી છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમારી પાસે મજબૂત ફોલોઅપ ટીમ છે જે બેંકો, નાણાકીય સંસ્થાઓ, રિઝર્વ બેંક, સાયબર ક્રાઇમ સામે કાર્ય કરતી વિવિધ રાજ્યની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીસ સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે સતત સંપર્કમાં રહે છે. હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર અમને ઓછામાં ઓછી ૧૫૦૦ ફરિયાદ આવે છે. ગત શુક્રવારે ફરિયાદનો આંકડો એક લાખની પાર જતો રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

શનિવારે ફરિયાદનો આંકડો ૧,૦૧,૦૬૯ રહ્યો હતો જ્યારે અત્યાર સુધી આ હેલ્પલાઇન નંબરને કારણે પીડિતોના ૨,૪૧,૪૨,૧૧,૮૨૭ રૂપિયા બચાવવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button