BMC Election 2026: જ્યારે ખાખી વર્દીમાં મહેંકી ઉઠી માનવતા…

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે એટલે કે 15મી જાન્યુઆરી, 2026ના રોજ મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીનું આ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની જવાબદારી મુંબઈ પોલીસને સોંપવામાં આવી હતી. પરંતુ મુંબઈ પોલીસે આ સમયે ખાખી વર્દી પાછળ એક કોમળ હૃદય ધબકી રહ્યું છે એનો પરિચય આપ્યો હતો.
આજે મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું અને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈ પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો હતો. એમાં પણ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો પણ સરળતાથી મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકે અને મતદાનની જવાબદારી પાર પાડી શકે એ માટે મુંબઈ પોલીસે ખડેપગે મદદ કરવા માટે આગળ આવી હતી.

મુંબઈ પોલીસ અને પાલિકા પ્રશાસન દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મતદાન કેન્દ્ર પર વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી દિવ્યાંગો સરળતાથી મતદાન મથક સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા અને અનેક બૂથ પર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં ખુદ મુંબઈ પોલીસ દિવ્યાંગોને ઊંચકીને કે પછી વ્હીલચેર દ્વારા મતદાન મથક સુધી લઈ ગયા હતા. એક હાથે કાયદો અને વ્યવસ્થા સાચવીને બીજા હાથે માનવતાના કાર્ય કરીને મુંબઈ પોલીસે સાબિત કરી આપ્યું છે કે તેઓ મુંબઈગરાના સાચા મિત્ર છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શહેરમાં 30,000થી વધુ પોલીસ તહેનાર કરવામાં આવ્યા હતા. જેમાં 10 એડિશનલ પોલીસ કમિશનર, 33 ડીસીપી (DCP), અને 84 એસીપી (ACP) કક્ષાના અધિકારીઓ ચૂંટણી સમયે ખડેપગે ઊભા રહ્યા હતા. 3,000 પોલીસ અધિકારીઓ અને 25,000થી વધુ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ્સનો સમાવેશ થાય છે. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), આર.સી.પી પ્લાટૂન અને હોમગાર્ડ્સને સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા હતા.
શહેરમાં શાંતિ જાળવવા માટે ઠેકઠેકાણે બેરિકેડ્સ લગાવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જમાવબંધીના આદેશોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું હતું જેથી કોઈ પણ પ્રકારની અફવા કે હિંસા ન ફેલાય.
આ પણ વાંચો…બીએમસી ચૂંટણીમાં ‘મૈત્રીપૂર્ણ’ લડાઈ કોને ભારે પડશે?



