સેફ્ટી ફર્સ્ટઃ થર્ટી ફર્સ્ટની નાઇટે 14,000થી વધુ પોલીસ મુંબઈમાં રહેશે તહેનાત

મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાતે મુંબઈમાં ઠેકઠેકાણે રાતભર ચાલતી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે મહાનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ 14,000થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓને તહેનાત કરવામાં આવશે.
થર્ટી ફર્સ્ટની રાતે બંદોબસ્ત માટે 8 એડિશનલ પોલીસ કમિશનર, 29 ડેપ્યુટી પોલીસ કમિશનર, 53 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 2,184 પોલીસ અધિકારીઓ તેમ જ 12,048 પોલીસ કર્મચારીઓને તહેનાત કરાશે. એ સિવાય મહત્ત્વનાં સ્થળોએ બંદોબસ્ત માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પ્લાટૂન્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ), તથા રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ અને હોમ ગાર્ડસની પણ મદદ લેવામાં આવશે.
શહેરના વિવિધ રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને ગિરદીનાં સ્થળો ખાતે સાદા વેશમાં પોલીસ તહેનાત રહેશે, જ્યારે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. એ દિવસે પોલીસ દ્વારા ઠેકઠેકાણે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
Also read: દેશમાં ગૃહ નિર્માણ ક્ષેત્રે ‘મુંબઈ’ મોખરેઃ કેટલું થાય છે રોકાણ?
દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધની ઝુંબેશને વધુ તીવ્ર કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ઠેરઠેર નાકાબંધી કરવામાં આવશે. દારૂ ઢીંચી વાહન ચલાવનારી વ્યક્તિ, જાહેર સ્થળે ધીંગાણું કરનારા, મહિલાઓ સાથે ગેરવર્તન કરનારા અને નશીલો પદાર્થનું વેચાણ-સેવન કરનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરાશે. નાગરિકોએ મદદ માટે 100 નંબર પર સંપર્ક સાધવાનું પોલીસ દ્વારા જણાવવામાં આયું છે.