દાદર સ્ટેશન પર વધુ ભાડું વસૂલનારા ટેક્સીચાલકોની મનમાની પર માટુંગા પોલીસે લગાવી બ્રેક…

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની ઓળખસમાન કાળી-પીળી ટેક્સીચાલકોની મનમાનીનો આપણામાંથી અનેક લોકોને ક્યારેકને ક્યારેક અનુભવ તો થયો જ હશે. હાલમાં જ મુંબઈમાં વિદેશી મહિલા પ્રવાસી પાસેથી ટૂંકા અંતર માટે 18,000 રૂપિયાનું ભાડું વસૂલવાની ઘટના હજી તાજી જ છે ત્યાં ફરી એક વખત મુંબઈના દાદર વિસ્તારમાં પેસેન્જર પાસેથી મનમાન્યું ભાડું વસૂલવાની માહિતી સામે આવી રહી છે. મનફાવતું ભાડું વસૂલનારા ટેક્સી ચાલકો વિરુદ્ધ માટુંગા પોલીસે કડક કાર્યવાહી કરી છે.
મુંબઈમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ટેક્સી ચાલકોની છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. એમાં પણ કરીને રેલ્વે સ્ટેશનની બહાર ટેક્સી ચાલકો મીટર વિના ભાડું વસૂલીને પ્રવાસીઓને છેતરી રહ્યા હોવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આપણ વાચો: રિક્ષા-ટેક્સીચાલકો મીટર રિકેલિબ્રેશન નહીં કરે તો દંડ થશે, જાણો ડેડલાઈન?
માટુંગા પોલીસ સ્ટેશનની હદમાં 24મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી દરમિયાન દાદર રેલ્વે સ્ટેશન (પૂર્વ) ખાતે લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કિસ્સામાં બે ટેક્સી ચાલકો અને તેમના સાથીદારોએ બે પેસેન્જરને નિશાન બનાવ્યા હતા. થોડાક કિલોમીટરના પ્રવાસ માટે ટેક્સી ડ્રાઈવરોએ અનુક્રમે 1800 રૂપિયા અને 2000 રૂપિયા વસૂલ્યા હતા. પ્રવાસીઓએ ટેક્સી ચાલકોની આ મનમાની સામે વિરોધ નોંધાવીને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પેસેન્જર્સની ફરિયાદને પગલે માટુંગા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેક્સી ચાલકોની ઓળખ કરી કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, આ ગુનામાં વપરાયેલી ૦૪ ટેક્સીઓ પણ પોલીસે જપ્ત કરી લીધી છે. આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ પણ રિકવર કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી દાદર વિસ્તારમાં ગેરકાયદે ભાડું વસૂલતા ટેક્સીચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યું છે.
આપણ વાચો: કોઈ પણ કામ પ્રામાણિકતા સાથે ઉષ્માભેર થવું જોઈએ
અત્રે ઉલ્લેખનીય છે કે દાદર જ નહીં પણ મુંબઈમાં અનેક જગ્યાએ ટેક્સીચાલકો મીટર બંધ રાખીને ભાડું વસૂલતા હોય છે. પરિવહન વિભાગ (RTO) દ્વારા અનેકવાર સૂચનાઓ આપવા છતાં ટેક્સી ચાલકોની આ મનમાની અટકતી નથી. દાદર ઈસ્ટ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલતી હોવાનું પોલીસ રેકોર્ડ પર છે, પરંતુ હવે પોલીસે કડક વલણ અપનાવીને સીધી ધરપકડ શરૂ કરી છે.
ટેક્સીચાલકોની સાથે પોલીસે દાદર અને માટુંગા વિસ્તારમાં ગેરકાયદે એન્ક્રોચમેન્ટ, ફેરિયાઓને હટાવવા પર પણ ભાર મૂક્યો છે. જેના અંતર્ગતદાદર સ્ટેશન (પૂર્વ), માટુંગા સ્ટેશન અને માહેશ્વરી ઉદ્યાન સર્કલ વિસ્તારમાં કુલ 98 ગેરકાયદે ફેરિયાઓ સામે પગલાં લેવાયા છે. મુંબઈ મહાનગરપાલિકાના એફ નોર્થ વોર્ડે સાથે મળીને પોલીસે દાદર સ્ટેશન પૂર્વ વિસ્તારને ‘ફેરીવાલા મુક્ત’ જાહેર કર્યો છે, જેથી મુસાફરોની અવરજવરમાં સરળતા રહે.



