ગળતર અને દૂષિત પાણીની સમસ્યા દૂર થશે ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી પાઈપલાઈન બદલવાનું કામ પૂર્ણ…

૧૭ વોર્ડમાં પાણીપુરવઠો તબક્કવાર પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂની અને જર્જરીત પાઈપલાઈનને કારણે થઈ રહેલા પાણીના ગળતર અને દૂષિત પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયાસ રૂપે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૨,૭૫૦ મિલીમીટર વ્યાસની જૂની પાઈપલાઈનને બદલવાનું લીધેલું કામ મંગળવારે બપોરના પૂર્ણ થયું હતું. તેથી ૧૭ પ્રશાસકીય વોર્ડમાં તબક્કાવાર પાણીપુરવઠો પૂર્વવત્ત કરવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસને કરી હતી.
જૂની પાયાભૂત સુવિધાનું આધુનિકરણ કરીને તેને વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત તથા દીર્ધકાલીન સ્વરૂપ આપવાના ઉદૃેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે, જેના ભાગરૂપે ૭૫ વર્ષ જૂની અને ર્જીણ થઈ ગયેલી તથા વહનક્ષમતા ગુમાવી દીધેલી પાણીની પાઈપલાઈન બદલવાની મહત્વાકાંક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મોટા વ્યાસની નવી પાણીની પાઈપલાઈન તબક્કવાર બદલવામાં આવી રહી છે, તેથી પાણીનું ગળતર, દૂષિત પાણીપુરવઠો અને રસ્તા ધસી પડવા પર નિયંત્રણ મેળવી શકાશે. આ ઝુંબેશ અંતર્ગત તાનસા બંધમાંથી ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી ૨,૭૫૦ મિલ્યન લિટર વ્યાસની ર્જીણ થઈ ગયેલી પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામ અત્યંત જટિલ અને પડકારજનક તેમ જ જોખમી હતું. ર્જીણ થઈ ગયેલી પાઈપલાઈન બદલવાનું કામ સોમવાર, આઠ ડિસેમ્બરના સવારના ૧૦ વાગે શરૂ કરવામાં આવ્યું હતું, જે મંગળવારે બપોરના બે વાગે પૂર્ણ થયું હતું. લગભગ ૨૮ કલાક કામ ચાલ્યું હતું. કામ પૂરું થયા બાદ ૧૭ પ્રશાસકીય વોર્ડમાં તબક્કવાર પાણી પુરવઠો પૂર્વવત્ત કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે મુંબઈને પાણીપુરવઠો કરનારી પાણીની પાઈપલાઈન બ્રિટીશકાળની અથવા ૭૦થી ૮૦ વર્ષ જૂની છે.
પાઈપલાઈન ર્જીણ થવાને કારણે પાણીપુરુઠોમાં અનેક અડચણો આવે છે. અનેક જગ્યાએ જમીનની નીચે પાઈપલાઈનમાં ગળતર થવાની સાથે જ પાણીનું વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે. તેથી પાલિકા દ્વારા તબક્કવાર પાણી પુરવઠો અખંડિત રાખીને પાઈપલાઈન બદલવાનું કામ કરી રહી હોવાનું પાણીપુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ભાંડુપમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ૧,૨૩૫ વૃક્ષો કાપવામાં આવશે…



